September 19, 2024

દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, આજે સ્કુલો રહેશે બંધ

ફાઇલ ફોટો

નવી દિલ્હી: દિલ્હીમાં ભારે વરસાદને કારણે આજે એટલે કે 1લી ઓગસ્ટે તમામ શાળાઓ બંધ રહેશે. શિક્ષણ મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આતિશીએ પોસ્ટમાં કહ્યું કે બુધવારે સાંજે ભારે વરસાદ અને ગુરુવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, 1 ઓગસ્ટના રોજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.

બુધવારે સાંજે દિલ્હીમાં વરસાદને કારણે મોટાપાયે પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેના કારણે રસ્તાઓ પર અરાજકતા સર્જાઈ હતી. બુધવારે દિલ્હીમાં એક કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

એર ટ્રાફિકને પણ અસર થઈ હતી
ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે એર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતરતી ઓછામાં ઓછી 10 ફ્લાઈટોને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી આઠ ફ્લાઈટ જયપુર અને બે લખનૌ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ, શહેરના પ્રમાણભૂત હવામાન મથક સફદરજંગે સાંજે 5:30 થી 8:30 વાગ્યાની વચ્ચે 79.2 મીમી વરસાદ નોંધ્યો હતો, જ્યારે મયુર વિહારમાં 119 મીમી વરસાદ નોંધાયો હતો; દિલ્હી યુનિવર્સિટીમાં 77.5 મીમી, પુસામાં 66.5 મીમી; અને પાલમ વેધશાળામાં 43.7 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: Anshuman Gaekwad: ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડનું કેન્સરથી નિધન

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું છે. વરસાદને કારણે ખાસ કરીને લુટિયન્સ દિલ્હી અને ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ અસ્તવ્યસ્ત હતી. વરસાદને કારણે કનોટ પ્લેસના ઘણા શોરૂમ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘુસી ગયા હતા. વ્યાપક પાણી ભરાવાને કારણે, ટ્રાફિક પોલીસે મુસાફરોને અમુક રસ્તાઓ ટાળવા માટે સલાહ આપી.