November 24, 2024

Bengaluru Rainfall: ઈમારત ધરાશાયી થતાં 3 લોકોના મોત, 17 દટાયા

Bengaluru Rainfall: બેંગ્લોરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાન અને વરસાદને કારણે શહેરમાં હાહાકાર મચી ગયો છે. ઘણા વિસ્તારોમાં પૂરના કારણે, શહેરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મંગળવારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની પાંચ ટીમો તૈનાત કરવામાં આવી હતી. દરમિયાન, શહેરના પૂર્વ ભાગમાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 17 લોકો કાટમાળ નીચે દટાયા હતા. લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

પીટીઆઇના અહેવાલ અનુસાર, બેંગ્લોરના પૂર્વ ભાગમાં હોરમાવુ આગ્રા વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 17 લોકો ફસાયા હોવાની આશંકા છે, બચાવ કામગીરી ચાલી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “બિલ્ડીંગની અંદર 17 લોકો ફસાયા હોવાની આશંકા છે અને સુરક્ષા કર્મચારીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.”

ફાયર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ આખી ઈમારત ધરાશાયી થઈ અને પછી લોકો તેની નીચે દટાઈ ગયા. ફાયર અને ઈમરજન્સી વિભાગની બે રેસ્ક્યુ વાન બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસથી શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની છે. ઉત્તર બેંગ્લોર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું કારણ કે યેલાહંકા અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. યેલાહંકાનું કેન્દ્રીય વિહાર કમર સુધી પાણીમાં છે. બચાવકર્મીઓએ બોટની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા.

ઉત્તર બેંગ્લોરમાં પાણી ભરાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરી રહ્યા છે, ઘણા મુસાફરો ફ્લાઇટ્સ, ટ્રેન અને બસ ચૂકી ગયા. પાણી ભરાયેલા વિસ્તારોમાં બાળકો શાળાએ જઈ શકતા નથી. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને નજીકના સરોવરોમાં પાણીની આવક વધી છે. વાહનો અને ઇલેક્ટ્રિકલ સાધનોને નુકસાન થયું છે.