જીરુના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, નિકાસ આપવાની માગ

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જગતનો તાત જમીનમાં પાકનું વાવેતર કરતા હોય ત્યારે મોંઘા ભાવના બિયારણ લઈને વાવણી કરતા હોય છે. પરંતુ પાક તૈયાર થાય ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સરકાર સામે રોષ વ્યક્ત કરતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ જીરૂનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. જો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરુ વેચવા આવે તો 3500થી 4000 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ માગ કરી હતી કે સરકાર દ્વારા જીરૂના પાકમાં નિકાસ આપવામાં આવે તો જીરૂના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી શકે તેમ છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની જીરુની આવક 1500થી 2000 મણ આવી રહી છે અને આવક સતત વધી રહી છે. પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. તેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. ખેડૂતોએ માગ કરી હતી કે, જીરુના સાતથી આઠ હજાર રૂપિયા મણના મળે તો જ ખેડૂતોને પોષાય તેમ છે. ત્યારે જીરુ વેચવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જીરુના પાકમાં વહેલી તકે નિકાસ આપે તો જ જીરૂના ભાવ વધશે અને તેનો ખેડૂતોને ફાયદો થશે.
સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં દરરોજની જીરૂની આવક 1500થી 2000 મણ છે અને જીરુંના ભાવ અત્યારે તો સ્થિર છે. જો સરકાર દ્વારા નિકાસ આપવામાં આવે તો ભાવમાં ફેરફાર થઈ શકે છે. અત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરૂના 3400થી 4100 સુધીના ભાવ મળી રહ્યા છે. જીરુની આવક દિવસેને દિવસે વધી રહી છે. જો સરકાર દ્વારા નિકાસ આપવામાં આવે તો ખેડૂતોને જીરૂના સારા ભાવ મળશે તેવું સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.