July 4, 2024

ગેરકાયદેસર ધર્માંતરણ ચાલુ રહ્યો તો બહુમતી વસ્તી લઘુમતી થઈ હશે: અલ્હાબાદ હાઇકોર્ટ

Allahabad High Court: ગેરકાયદેસર ધર્માંતરણને લઈને આજે અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું છે કે ઉત્તર રપદેશમાં એસસી-એસટી અને આર્થિક નબળા વર્ગોના લોકોનું મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ધર્માંતરણ થઈ રહ્યું છે. લાલચ આપીને ધર્મ પરિવર્તનનો ખેલ ચાલુ રહ્યો તો દેશની બહુમતી ધરાવતી વસ્તી એક દિવસ લઘુમતી બની જશે.

જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તનનો પ્રતિબંધ અધિનિયમ, 2021 હેઠળ હમીરપુરના મૌદહામાં રહેતા આરોપી કૈલાશની જામીન અરજી ફગાવતા આ ટિપ્પણી કરી છે, કૈલાશ પર ગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન કરાવવાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી રામકલી પ્રજાપતિએ FIRમાં કહ્યું હતું કે તેના ભાઈ રામફલને કૈલાશ ઘરેથી દિલ્હીમાં એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લઈ ગયો હતો.

આ કાર્યક્રમમાં ગામના કેટલાંક લોકોને પણ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં આ તમામને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હતું. રામકલીના કહેવા પ્રમાણે તેનો ભાઈ માનસિક રીતે બીમાર હતો. આ કેસમાં ધરપકડ બાદ કૈલાશના વકીલે દલીલ કરી હતી કે અરજદારે ફરિયાદીના ભાઈનું ધર્માંતરણ નથી કરાવ્યું. પાદરી સોનુએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેણે બધાના ધર્મપરિવર્તન કરાવ્યા હતા. તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે આવી સભાઓ યોજીને લોકો મોટા પાયે ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. કૈલાશ ગામડાઓમાંથી લોકોને ખ્રિસ્તી બનાવવામાં સામેલ છે. તેના બદલામાં તેને ઘણા પૈસા આપવામાં આવ્યા હતા.

લાલચ આપીને ધર્મપરિવર્તનની અનુમતિ નથી આપી કલમ-25
કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 25 કોઈને પણ સ્વેચ્છાએ ધર્મ પસંદ કરવાની અનુમતિ આપે છે પરંતુ લાલચ આપીને કોઈને પણ ધર્મ પરિવર્તનની અનુમતિ નથી આપતી. પોતાના ધર્મનો પ્રચાર કરવાનો મતલબ કોઈ અન્ય ધર્મની વ્યક્તિને પોતાના ધર્મમાં પરિવર્તિત કરવાનો નથી થતો.