December 11, 2024

ધોધમાર વરસાદ બાદ માધવપુર-કુતિયાણા જળબંબાકાર, જુઓ ઘેડ પંથકનો આકાશી નજારો

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર: પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માધવપુર-કુતિયાણા ઘેડ પંથકમાં વરસાદી પાણીએ જળબંબાકાર કર્યું છે. જેના કારણે અહીં રોડ, રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. હવે ઘેડ જળબંબાકારના ડ્રોન વીડિયો સામે આવ્યા છે.

ધોધમાર વરસાદ બાદ માધવપુરના ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે અહીં રસ્તાઓ નામશેષ દેખાઈ રહ્યા છે. ખેતરોમાં પાણી ફરીવળ્યા છે તો ચિનગારીયાથી મંડેર તરફ જતા માર્ગ બંધ કરી દેવમાં આવ્યા છે. ત્યાં જ ઓઝત-ભાદન નદીના પાણી આવી જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર વાહન વ્યવહાર અને લોકોની અવરજવર પર પ્રતિંબધ મૂકી દેવામાં આવ્યો છે.

હાલમાં માધવપુર-કુતિયાણા ઘેડ પંથકના કેટલાક ડ્રોન વીડિયો સામે આવ્યા છે. આ આકાશી નજારામાં સંમગ્ર વિસ્તાર પાણીમગ્ન દેખાઈ રહ્યો છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. અહીં આવેલા મોટાભાગના કોઝ વે પાણીમાં ડૂબી ગયા છે.

પોરબંદરના ડા ક્રિક ડેમમાં ઉપરવાસના પાણીની મોટી આવક થતા 1730 એમસીએફટી જળ સંગ્રહ ક્ષમતાની સામે 1808 એમસીએફટી સુધી જળ સંગ્રહ પહોંચ્યો છે. અહીં પાણી છલકાઈ જતા મિયાણી, ભાવપરા, ટુકડા, અને વડાળા ગામના ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થશે. દેવભૂમિ દ્વારકાના ગાંધવી, ગાંગડી, ચાસલાણા, દેવડીયા, જામ રાવલ, અને ચંદ્રાવાડા ગામોને પણ પાણીનો લાભ મળશે. આ ડેમ પક્ષી પ્રેમી અને બર્ડ વોચર્સ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળામાં આ ડેમ વિદેશી અને સ્થાનિક પક્ષીઓ માટે પડાવનું સ્થળ છે. હાલમાં મેઢા ક્રિક ડેમના ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.