ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર, બનાસકાંઠા-મહેસાણામાં વરસાદી માહોલ
અમદાવાદઃ બનાસકાંઠાના સરહદી પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સુઇગામમાં બે કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નડાબેટના રણ વિસ્તારમાં પાણી ભરાયું છે.
તો બનાસકાંઠાના થરાદ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે થરાદ મેઇન બજાર, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચોઃ બે કલાકમાં રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ, ત્રણ સ્ટેટ હાઇવે બંધ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાંકરેજના શિહોરી, કંબોઇ, ઉંબરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત લાખણી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. લાખણીનાં જેતડા, આગથળા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લઇને રસ્તાઓ પાણી પાણી થયા છે. રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહ્યી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અન્ય જિલ્લામાં યલો એલર્ટ
મહેસાણાનો આંબેડકર બ્રિજ બંધ હોવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં પ્રવેશવાના એકમાત્ર માર્ગ ગોપીનાળામાં વરસાદ પડતાં જ પાણી ભરાઈ જાય છે. ત્યારે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
મહેસાણાના બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો છે. બહુચરાજી, શંખલપુર, સાપાવાડા, સુરપુરા, સુરજ, ચંદ્રોડા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
પાટણમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાટણનું પ્રથમ અને બીજું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરમાંથી બહાર અને અંદર પ્રવેશવાનો માર્ગ બંધ થયો છે. પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ પર જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રેલવે ગરનાળામાં વાહનો બંધ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર માટે લોકો જીવના જોખમે પગદંડીનો ઉપયોગ કરી રહ્યા છે.