July 5, 2024

વસ્ત્રાલમાં ભગવાન જગન્નાથજીના મામેરાની ભવ્ય શોભાયાત્રા, દરેક સોસાયટીમાં ભવ્ય સ્વાગત

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા પ્રણામી બંગ્લોસના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિને આ વર્ષે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

ભગવાન જગન્નાથના મામેરાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભગવાનના લાખેણા મામેરાનાં દર્શન, મોટી સંખ્યામાં ભક્તો મોસાળમાં ઉમટ્યા

આ શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. આબાલ-વૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથની ભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું હતું.

નાના ભૂલકાંઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રાથી વસ્ત્રાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.