November 24, 2024

Ahmedabad : હરણી બોટકાંડ મુદ્દે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરો સામે હાઇકોર્ટની લાલ આંખ

વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લઇને સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આકરા શબ્દમાં પૂછ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને પછી સૂઈ જાય છે? બીજી બાજુ રાજ્ય સરકારે આજે હાઈકોર્ટમાં આ મુ્દ્દે એફિડેવિટ રજૂ કરી હતી અને સમગ્ર દુર્ઘટના સમયની તેમજ દુર્ઘટના બાદની કાર્યવાહી અંગે એડવોકેટ જનરલે માહિતી રજૂ કરી હતી. એડવોકેટ જનરલની માહિતી આપ્યાં બાદ હાઈકોર્ટે કહ્યું કે દુર્ઘટના થયા બાદ કેમ ઊંઘમાંથી જાગે છે. જે લોકો આ એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ અને એક ચોક્કસ પોલીસી અમલમાં હોવી જોઈએ, એટલું જ નહીં હાઈકોર્ટે વધુમાં ઉમેર્યું કે આ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર ઉપરાંત અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ. વડોદરા હરણી દુર્ઘટનામાં મહત્વનો ખુલાસો થયો છે. માહિતી અનુસાર હજુ સુધી દુર્ઘટનાનો રિપોર્ટ તૈયાર થયો નથી અને રાજ્ય સરકારને રિપોર્ટ ન સોંપાયું હોવાનું સામે આવ્યું છે. વડોદરા કલેક્ટરે રિપોર્ટ તૈયાર કરવામાં મોડું કર્યું છે જેના કારણે કલેક્ટરે એ.બી.ગોરે સરકાર પાસે હજુ 5 દિવસનો સમય માગ્યો છે. માહિતી અનુસાર ગઈકાલે કલેક્ટરે સરકારને રિપોર્ટ સોંપવાનો હતો. ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો, જો કે 10 દિવસ થઇ ગયાં બાદ પણ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો નથી.

સરકાર જ નહીં, કોન્ટ્રાકટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે
આ કેસમાં કોર્ટને મદદ કરવા માટે વકીલ તૃષા પટેલ અને હેમાંગ શાહની કોર્ટ મિત્ર તરીકે નિમણૂક કરાઈ છે. કોર્ટ મિત્ર કહ્યું કે આ ઘટના મુદ્દે માત્ર કોન્ટ્રાકટર કે સબ કોન્ટ્રાકટર જ નહીં પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબદાર છે. વધુમાં કહ્યું કે આ દુર્ઘટના મુદ્દે માત્ર સરકાર જ નહીં પરંતુ કોન્ટ્રાકટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે. બીજી બાજુ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી હતી. આ મામલે એડવોકેટ જનરલે કહ્યું કે બનાવ બાદ રાજ્યમાં બધે જ બોટિંગ બંધ કરાવ્યું છે. રાજ્યમાં તમામ તળાવ સહિતની વોટર બોડી કે જ્યાં એકિટવિટી ચાલે છે ત્યાં જરૂર સૂચનો જાહેર કર્યા છે. સુનવણી દરમિયાન હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ઈશ્યુ કરી છે જેમાં કોર્ટ ઉલ્લેખ કર્યો છે કે આ હરણી તળાવમાં કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન નહોતું. હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશનને ત્રણ અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. બીજી બાજુ હાઇકોર્ટ રાજ્યના તમામ તળાવો અને સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે પણ કોર્ટ તપાસ કરાવશે. આ સુઓમોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવના બનાવ પૂરતો જ સીમિત નથી રહ્યો. બીજી બાજુ કોર્ટે કહ્યું કે બનાવ બન્યો તે પછી શું સુધારાત્મક પગલા લીધા તે જાણવામાં હાલ કોર્ટને કોઈ રસ નથી. બનાવ બન્યો તે પહેલા શું ચેક અને બેલેન્સીસ રાખ્યા હતા તેનો કોર્પોરેશનએ ખુલાસો કરવો પડશે. નોંધનીય છે કે ઘટના બાદ વકીલ એસોસિએશનની રજૂઆતને પગલે હાઈકોર્ટે આ કેસને સંજ્ઞાનમાં લીધો અને તળાવ દુર્ઘટના મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત બાદ હાઇકોર્ટે પગલાં લીધા હતા. કોર્ટમાં વડોદરામાં બનેલી ઘટનામાં બોટની જર્જરીત સ્થિતિ, લાઇફ જેકેટ ની અનુપલબ્ધિ વિશે પણ રજૂઆત કરાઇ હતી.

આ પણ વાંચો : બોટ,બાળકો અને બહાના, ભૂલકાઓના જીવના જવાબદાર કોણ?

તપાસમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે પોલીસ તપાસમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા છે. પોલીસે નિલેશ જૈન, જતીન દોશી, તેજલ દોશી અને નેહા દોશીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી વડોદરા આવતા સમયે આરોપીઓ ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે નિલેશ જૈન સાથે પેટા કોન્ટ્રાક્ટ પરેશ શાહે કર્યો હતો. પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટની જાણ કોઈને કરી ન હતી અને ઝડપાયેલા ચારેય આરોપી 5 ટકાના ભાગીદાર હતા. હાલ પોલીસ પેટા કોન્ટ્રાક્ટના દસ્તાવેજ શોઘી રહી છે બીજી બાજુ પોલીસ દ્વારા અન્ય રાજ્યોમાં શોધખોળ માટે બે ટીમો પણ બનાવવામાં આવી છે.

લાઈફ જેકેટની વ્યવસ્થા નહોતી
અગાઉ ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું હતું કે આ ફક્ત ચોંકાવનારી જ નહીં પરંતુ સૌથી દુખદ ઘટનાઓમાંથી એક છે. કોઈ બેદરકારી ચલાવી નહીં લેવાય. મહત્વનું છે કે બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના સમયે હોડીમાં 34 લોકો સવાર હતા. ઘટનામાં બોટના માલિક સહિત તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. બોટ પલટી જવાની આ ઘટનામાં વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા ન હોવાનું સામે આવ્યું છે. આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે બોટમાં અન્ય કોઈ વ્યવસ્થા પણ નહોતી. આ દુર્ઘટના મુદ્દે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું હતું, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્ત બાળકો ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.” ઉલ્લેખનીય છે કે ઘટના બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. વિગતવાર તપાસ જિલ્લા મેજીસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. 10 દિવસમાં રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કરવા સૂચના પણ આપવામાં આવી હતી.