September 21, 2024

‘મારા નિવેદનો અંગે ભાજપ ફેલાવી રહ્યું છે જુઠ્ઠાણું’, શીખોની ટિપ્પણી પર રાહુલ ગાંધીની સ્પષ્ટતા

Rahul Gandhi React on BJP: રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યું છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ અનામત અને શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હવે આ મુદ્દે પહેલીવાર વિપક્ષીના નેતા રાહુલ ગાંધીની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે ભાજપ અમેરિકામાં મારા નિવેદન અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે.

વોશિંગ્ટન ડીસીમાં રાહુલ ગાંધીએ કર્યું હતું સંબોધન 
વાસ્તવમાં, 10 સપ્ટેમ્બરના રોજ, રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, “લડાઈ એ વાતની છે કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની છૂટ છે કે પછી ભારતમાં શીખોને કાડા પહેરવાની છૂટ છે. શું શીખોને ગુરુદ્વારા જવાની છૂટ છે અને આ જ વાત તમામ ધર્મોને લાગુ પદે છે.

ભાજપના પ્રહાર પર રાહુલનો પલટવાર
રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના સાંસદે શીખોનું અપમાન કર્યું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને આતંકવાદી પણ ગણાવી દીધા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોતાના 10 સપ્ટેમ્બરના ભાષણનો વીડિયો શેર કરીને ભાજપને વળતો પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો: દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિષી, જાણો નવા મંત્રીમંડળમાં કોનો-કોનો સમાવેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું, “ભાજપ અમેરિકામાં મારા નિવેદનો વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. હું ભારત અને વિદેશમાં રહેતા દરેક શીખ ભાઈ-બહેનને પૂછવા માંગુ છું – શું મેં જે કહ્યું તેમાં કંઈ ખોટું છે? શું ભારત આવો દેશ ન હોવો જોઈએ જ્યાં દરેક શીખ – અને દરેક ભારતીય – કોઈપણ ડર વિના તેમના ધર્મનું પાલન કરી શકે છે? પરંતુ, દર વખતની જેમ ભાજપ જૂઠનો સહારો લઈ રહ્યું છે. તેઓ મને ચૂપ કરવા માટે ભારે ઉત્સાહી થઈ રહ્યા છે, હું હંમેશા એવા મૂલ્યો માટે બોલીશ જે ભારતને વ્યાખ્યાયિત કરે છે: વિવિધતામાં આપની એકતા, સમાનતા અને પ્રેમ.”