December 11, 2024

હિંદ મહાસાગરમાં લડાયક ક્ષમતા વધારશે ભારતીય નૌસેના, ટોચના કમાન્ડર્સનો મોટો નિર્ણય

Indian Navy News: ભારતીય નૌસેનાના ટોચના અધિકારીઓએ નિર્ણય લીધો છે કે તેઓ હિંદ મહાસાગરમાં લડાયક ક્ષમતા વધારો કરશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ઘૂસણખોરી અને ભૂ-રાજકીય પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં આ પગલું લેવામાં આવ્યું છે. કમાન્ડરોની ચાર દિવસીય બેઠકમાં સઘન ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક શુક્રવારે પૂર્ણ થઈ હતી.

નૌસેના ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ કમાન્ડરોને સંબોધતા જણાવ્યું હતું કે સમુદ્રી સુરક્ષા અને દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોસ્ટ ગાર્ડ અને અન્ય મેરીટાઇમ એજન્સીઓને સહકાર આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે નેવલ હેડક્વાર્ટરના કમાન્ડો અને સ્ટાફને એક સંતુલિત, બહુ-પરિમાણીય નેટવર્ક સાથે સંકળાયેલા ફોર્સ તરીકે વિકસિત થવું જોઈએ, જે રાષ્ટ્રના દરિયાઈ હિતોના રક્ષણ અને સંરક્ષણ માટે કોઈપણ સમયે, ગમે ત્યાં, તૈયાર હોય.

નૌસેનાના વડાએ ભૂ-રાજકીય વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો અને દરિયાઈ ક્ષેત્રમાં વિકસતી વ્યૂહરચનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. નૌસેના માટે પ્રાથમિકતાના ક્ષેત્રોમાં તમામ નૌસૈનિક પ્લેટફોર્મ, ઉપકરણો અને હથિયારોની તૈયારી સુનિશ્ચિત કરવી જરૂરી છે, જેનો મુખ્ય ફોકસ ટાર્ગેટ સુધી દારૂગોળો પહોંચાડવાનું છે.

આ પણ વાંચો: ‘મારા નિવેદનો અંગે ભાજપ ફેલાવી રહ્યું છે જુઠ્ઠાણું’, શીખોની ટિપ્પણી પર રાહુલ ગાંધીની સ્પષ્ટતા

આ બેઠકમાં સમકાલીન સુરક્ષા પરિસ્થિતિઓ અને નૌસેનાની લડાયક ક્ષમતાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કમાન્ડરોએ પ્રદેશમાં બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી અને નક્કી કર્યું કે તેના માટે ભવિષ્યની યોજના કરવામાં આવશે, જેથી હિન્દ મહાસાગર વિસ્તારમાં પહેલા ઉત્તરદાતા અને સુરક્ષા ભાગીદાર બનવાની દિશામાં આગળ વધી શકાય. કમાન્ડરોએ આત્મનિર્ભરતાના રાષ્ટ્રીય વિઝન માટે નૌસેનાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તો સાથે સાથે, રક્ષામંત્રી રાજનાથ સિંહે કમાન્ડરોને સંબોધન કરતાં કહ્યું કે તેઓ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ સુરક્ષા પડકારનો સામનો કરવા માટે તૈયાર રહે. તેમણે ભારતની નૌસૈનિક ક્ષમતાને વધુ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાજનાથ સિંહે કહ્યું કે ભારતને હવે હિંદ મહાસાગરમાં પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે જોવામાં આવે છે અને નૌસેના આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.