November 24, 2024

વાસણા સોગઠીના મોટા વાસ ખાતેથી એકસાથે 8 નનામી નીકળતા ગામ આખું હિબકે ચઢ્યું

ગાંધીનગર: ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં શુક્રવારે બપોરે ગણેશવિસર્જન સમયે ડૂબી જતાં 8 લોકોના મોત નીપજ્યા હતા. વાસણા સોગઠીના મોટાવાસમાં રહેતાં ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થતાં આજે સવારે વાસણા સોગઠીના મોટા વાસ ખાતેથી એકસાથે આઠેયની નનામી નીકળતા ગામ આખું હિબકે ચઢ્યું હતું.

ગઈકાલે ગાંધીનગરના દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં આઠ યુવકોના ડૂબી જવાથી મૃત્યુની દુર્ઘટના બાદ વાસણા સોગઠી ગામમાં શોકના માહોલ ફેલાઈ ગયો હતો. દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે મોટી કરુણાંતિકા સર્જાતા હતી. જેમાં આઠ લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા બાદ આજે સવારે વાસણા સોગઠી ગામે રોકકળ અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

વાસણા સોગઠી ગામે એક સાથે આઠ લોકોના સ્મશાન યાત્રામાં ગામ હિબકે ચડ્યું હતું. એક સાથે આઠ યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. સ્મશાન યાત્રામાં દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ સાંસદ હસમુખભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના સરકારી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ હસમુખ પટેલે આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરનાર હોવાનું પણ જણાવ્યું હતું.

આ ઘટના બાદ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું, ‘દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં આઠ યુવકોના ડૂબી જવાથી થયેલ મૃત્યુની દુર્ઘટના અત્યંત હૃદયવિદારક છે. પાટણમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન આવી જ અન્ય એક દુઃખદ દુર્ઘટનામાં ચાર લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. આકસ્મિક મૃત્યુની આવી દુર્ઘટનાઓ પરિવાર માટે તો અત્યંત દુઃખદ બની રહેતી હોય છે. પીડાની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના પરિજનોની સાથે છે. ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના’.