January 4, 2025

ખાનગી શાળાઓને પણ ટક્કર મારતી ઉના તાલુકાના ડમાસા ગામની પ્રાથમિક શાળા

ધર્મેશ જેઠવા, ઉના: આજના આ ઝડપી યુગમાં દિન પ્રતિ દિન શિક્ષણનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે, ઉના તાલુકાના ડમાસા ગામની આ પ્રાથમિક શાળા આધુનિક શિક્ષણની બોલબાલા વચ્ચે પરંપરાઓ અને નીતિગત મૂલ્યોને જાળવી રાખતા આ શાળાના બાળકો છે જેમાં વિદ્યાર્થીઓનું સંસ્કારી શિક્ષણ પદ્ધતિથી જ્ઞાન સિંચન કરવામાં આવી રહ્યું છે.

અંતરિયાળ વિસ્તારમાં આવતા ડમાસા ગામની પ્રાથમિક શાળા સરકારી શાળાઓ માટે જિલ્લામાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહે છે. સામાન્ય રીતે ખાનગી શાળાઓ જ સુશોભિત અને સગવડતાં વાળી જોવા મળતી હોય છે જેથી અહી લોકો બાળકોને ભણવા મૂકતા હોય છે અને મસમોટી ફી પણ આવી શાળાઓ લેતી હોય છે.પણ ડમાસા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણવા આવે છે.ઉના તાલુકામાં સતત પાંચ વર્ષ થી ગુણોત્સવમાં A ગ્રેડ, આ વર્ષે A plus.તેમજ અનેક અન્ય સ્પર્ધાત્મકઉનાના ડમાસા ગામની પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી છે.

ભાર વગરના ભણતર સાથેનો આનંદ જ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે આ વાતની પ્રતિતિ ઉના તાલુકાના ડમાસા ગામની પ્રાથમિકએ સાબિત કરી બતાવ્યું.અહી શાળામાં વિશેષતા એક જ નથી અનેક છે. જોતા જ ગમી જાય એવી આ શાળાનું મેદાન અને પ્રવેશદ્વાર ઘણું પુરવાર કરે છે કે અહી શાળાનું વાતાવરણ કેવુ હશે. અહીં બંજર જમીનમાં બનેલ શાળાના પટાંગણમાં વૃક્ષોનો ઉછેર એ જ મોટી વાત છે.અહીંના આચાર્યએ કમર કસીને આ શાળાને આ ઊંચાઈએ પહોંચાડી છે. અહી શાળાના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે શાળાનો માહોલ એવો સર્જ્યો કે વિધાર્થીઓ પોતે અવનવું કરવા માટે આગળ આવે. અહી શિક્ષકો પણ પોતાના બાળકોને આ શાળામાં જ ભણવા લઈને આવે છે. શાળાના આચાર્ય ભરત નકુમ પોતાના દીકરાનું એડમિશન અહી પ્રાથમિક શાળામાં લીધેલું છે. શાળાનો સર્વાંગી વિકાસનો શ્રેય ખાસ તો શાળાના આચાર્ય અને સ્ટાફને જાય છે પણ ગ્રામજનો તરફથી અને વાલીઓ તરફથી પણ બધી જ મદદ મળે છે.

આ શાળામાં વર્ષો સુધીની મહેનત અને સુધારા પ્રક્રિયા હાથ ધરેલ તેનાં પરિણામે આજે આ શાળાની તસ્વીર સંપૂર્ણ બદલી નાખી છે.શાળા તો સ્માર્ટ બની જ છે સાથે સાથે અહીંના બાળકોને શિક્ષણ પણ સ્માર્ટ મળી રહ્યું છે. ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે.

આચાર્ય ભરત નકુમના પ્રયત્નો થી શાળામાં થોડા જ સમયમાં અભ્યાસ માટે આવતા બાળકોમાં સતત વધારો થઈ રહ્યો છે. શાળામાં કુલ 283 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.શાળાને નંદનવન સમાન બનાવવાનું ધ્યેય રાખ્યું છે. જેથી શાળાએ આવતું બાળક ક્યારેય ન કંટાળે તેમજ અમારી શાળાના વિદ્યાર્થી જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ ઝળક્યા છે.સ્કૂલ ઓફ એકેલેન્ટ મિશન હેઠળ આધુનિક સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં વિશાળ સ્માર્ટ વર્ગખંડો કોમ્પ્યુટર લેબ ,એક્ટિવિટીના રૂમ, પ્રાર્થના હોલ, મધ્યાન ભોજન શેડ, જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળામાં ઘણા વર્ષોથી ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રકૃતિના સંવર્ધનના પાઠ શાળામાં તૈયાર કરાવવા ઔષધી બાગમાં બેસાડી શીખડાવવામાં આવે છે. તેમજ બાળકોને વૃક્ષારોપણ છોડ ઉછેર શીખવવા સહિત ઔષધીય વનસ્પતિ વિશે સમજણ આપવામાં આવે છે.કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડવામાં આવે છે. ઔષધીય ગાર્ડનમાં તુલસી, સૂર્યમુખી,અરડુસી સહિત વૃક્ષો ઉગવવામાં આવ્યા છે.

શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડની વાત કરીએ તો ગણિત,સામાજિક જ્ઞાન,ભાષાકીય જ્ઞાન,બાલ પ્રોજેક્ટ,ગ્રીન પ્રોજેક્ટ જેવા વિવિધ મુદ્દાઓને આધારિત બોલકોને ગમ્મત અને પ્રકૃતિ વચ્ચે રહી જ્ઞાન સિંચન કરવામાં આવી રહ્યું છે.બાલ પ્રોજેક્ટ દ્વારા શાળાની દીવાલો અને દાદરાની દીવાલો ઉપર ખૂબ સારા પોસ્ટરોમાં વિસ્તારથી વિગત સાથે ખલકુદ, રાજ્યો,જિલ્લાઓ, કવિતા પક્ષીના નામ અને અન્ય વિગત સાથેના લગાવવામાં આવ્યા છે.જેથી રમતગમત સાથે બાળકો અભ્યાસ પણ કરી શકે.અહી રીસેસમાં વિધાર્થીઓ કવિતાઓના નાદ સાથે રમત રમતા નજરે પડે છે. શાળામાં બાળકો માટે પ્રોજેક્ટ આઉટડોર,ખૂબ વિશાળ રમત રમવાનું ગ્રાઉન્ડ, કોમ્પ્યુટર લેબ,ભોજન શેડ, પ્રાર્થનાખંડ, દરેક વર્ગખંડને સુશોભિત અને જ્ઞાનના પ્રોજેક્ટ સાથે મઢવામાં આવ્યા છે. શાળામાં અળસિયાનો ઉછેર પણ કરવામાં આવે છે. ગ્રીન શાળા બનાવવા શિક્ષકો અને સ્થાનિકો દ્વારા અર્થાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અહી પ્લાસ્ટિક મુક્ત શાળા છે અહી કોઈ પણ વિદ્યાર્થી દ્વારા કોઈ પણ પડીકા કે અન્ય પ્લાસ્ટિક ની વસ્તુઓ કે થેલીઓનો ઉપયોગ કરતું નથી કે સાથે લાવતું નથી.

ડમાસા પ્રાથમિક શાળાના આચાર્ય સ્ટાફ લોકોએ હાલમાં ચાલી રહેલા શિક્ષણ જગતમાં એક મોટું ઉદાહરણ આપ્યું છે કે પોતાની ફરજનાં ભાગ રૂપે જે સરકાર પગાર આપે છે એ યથાર્થ કરીને પોતાની ફરજ કંઈ રીતે નિભાવી શકાય. બાકી સરકારી નોકરીમાં ફરજ બજાવતા અધિકારીઓ પોતાની ફરજનું કામ તો કરતા નથી અને કરે છે તો ઉપર ની કમાઈ પગારથી દસ ગણી મહિને ઘરે લઈને જાય છે.