February 10, 2025

Allu Arjun Bail: નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને કોર્ટમાંથી મળી રાહત

Allu Arjun Bail: હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા અભિનેતા અલ્લુ અર્જુન માટે સારા સમાચાર છે. કોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને રેગ્યુલર જામીન આપ્યા છે. નામપલ્લી કોર્ટે શુક્રવારે પોતાના આદેશ જારી કર્યા છે. નોંધનીય છે કે, આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે, તેને તરત જ જામીન મળી ગયા હતા અને ધરપકડના બીજા દિવસે સવારે તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે પણ આ કેસમાં રેગ્યુલર જામીન આપ્યા છે.

નોંધનીય છે કે, અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉ, ફિલ્મનો પ્રીમિયર 4 ડિસેમ્બરની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ પ્રીમિયર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન અહીં પહોંચતા જ ચાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે હૈદરાબાદ પોલીસે ફરિયાદ નોંધીને અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે તેની ધરપકડ બાદ પણ કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આખી રાત જેલમાં રહ્યા બાદ બીજા દિવસે અલ્લુ અર્જુનને મુક્ત કરવામાં આવ્યો હતો.

આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો
અલ્લુ અર્જુનની ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલા આ અકસ્માતને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. અલ્લુ અર્જુનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું હતું. ઘણા લોકો આના સમર્થનમાં સામે આવ્યા અને ઘણા લોકો અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ સામે આવ્યા. તેલંગાણા વિધાનસભા સત્રની કાર્યવાહી દરમિયાન પણ આ મુદ્દાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ ઘટના બાદ કેટલાક લોકોએ અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો.