દમણના જામપોર બીચ પર યુવતીનો જીવના જોખમે રિલ ઉતારતો વીડિયો વાયરલ
દમણઃ હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલ સમગ્ર રાજ્ય પર સાયક્લોનિક સિસ્ટમની અસર વર્તાઈ રહી છે. આવા સમયે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળતો હોય છે. જેને કારણે દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હાલ કોઈને પણ ન્હાવા જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે.
દમણના જામપોર બીચ પર યુવતીનો જોખમી રિલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભરતી સમયે કેવી રીતે યુવતી દરિયામાં જાય છે અને મોજું આવતા જ દોડીને બહાર આવી જાય છે. ભરતીના સમયે દમણ પોલીસ અહીં પેટ્રોલિંગ કરતા હોય છે, ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે, દરિયાકિનારે સહેલાણીઓ માટે પ્રતિબંધ હોવા છતાં યુવતી ત્યાં ગઈ હતી અને રિલ ઉતારી હતી.
થોડા દિવસ પહેલાં બે યુવકોનાં મોત થયા હતા
દમણના જામપોર બીચ પર થોડા દિવસ પહેલા દુર્ઘટના ઘટી હતી. જેમાં સુરતના પાંચ યુવકો દરિયામાં ન્હાવા પડ્યા હતા. તે સમયે અચાનક જ મોજા ઉછળ્યા હતા અને બે યુવકોને તાણી ગયું હતું. જ્યારે અન્ય ત્રણ યુવકોને ત્યાં હાજર લોકોએ બચાવી લીધા હતા.