September 18, 2024

આ રીતે ભણશે ગુજરાત? સીમાસી ગામે ગ્રામ પંચાયતમાં ચાલે છે આંગણવાડી!

ધર્મેશ જેઠવા, ઉનાઃ તાલુકાના સીમાસી ગામે આંગણવાડીના બાળકો આંગણવાડીના બદલે ગ્રામ પંચાયત કચેરીમાં ભણવા મજબૂર બન્યાં છે. બાળકોના ભાવિ ભણતર અને પાયાના વિકાસ માટે થઈને સરકાર દ્વારા નાના ભૂલકો માટે આંગણવાડી કેન્દ્રો ગામડે ગામડે ચલાવે છે, પણ આ આંગણવાડી કેન્દ્રોની જાળવણીની ગ્રાન્ટ યોગ્ય સમયે ફાળવવામાં આવતી નથી. તેને કારણે આંગણવાડી જર્જરિત અને ખંડેર બની જાય છે અને નાના બાળકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે છે. ઉના તાલુકાના સીમાસી ગામમાં આંગણવાડીના બદલે ગ્રામ પંચાયતના હોલમાં બેસી રહેલા આ નાના ભૂલકાઓ અહી અભ્યાસ કરે છે. છેલ્લા 3 વર્ષથી આંગણવાડી કેન્દ્ર અહીં ગ્રામ પંચાયતમાં જ ચાલે છે. કારણ કે, અહીંની આંગણવાડી કેન્દ્ર નંબર-1 છેલ્લા ત્રણ વર્ષથી સમારકામ થયું નથી.

ઉના તાલુકાના સિમાસી ગામ રોડ નજીક વસેલું છે. ત્યાં આંગણવાડી કેન્દ્ર નંબર-1 વર્ષ 2005-06માં બનાવવામાં આવી હતી. પરંતુ આ વિસ્તારમાં ચાર વર્ષ પહેલા તૌકતે વાવાઝોડું આવ્યું હતું. જેમાં આ આંગણવાડી કેન્દ્રના દરવાજા અને બારીઓ તૂટી ગઈ હતી. તંત્ર દ્વારા તેની દરકાર લેવામાં આવી નહોતી. આજ સુધી કોઈ ગ્રાન્ટ ન આવી હોવાથી આ આંગણવાડી કેન્દ્ર ખંડેર હાલતમાં ફેરવાય ગયું છે. ગ્રામ પંચાયત દ્વારા પણ તેને રિપેર કરાવવા માટે અરજીઓ તો થઈ પણ કોઈ ગ્રાન્ટમાંથી આંગણવાડીની મરામત કરાવવા માટેનો વિચાર ન કર્યો. તેને કારણે નાના ભૂલકાઓને આ ગ્રામ પંચાયતના એક હોલમાં બેસવાનો વારો આવ્યો છે અને આ એક હોલમાં જ બાળકોને માટે રસોઈ એક ખૂણામાં બને છે અને જ્યારે વરસાદની સિઝન હોય છે, ત્યારે આંગણવાડીમાં જ્યાં ત્યાં પાણી ટપકે છે. ગામના લોકો પંચાયતના કામથી આવે તો પણ અહીં હોલમાં પ્રવેશી બાજુના ઓરડામાં જાય છે. જેથી બાળકોને અને ગ્રામ પંચાયતમાં આવનારને ખલેલ પહોંચે છે.

આ પણ વાંચોઃ FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ

ગ્રામ પંચાયતમાં ચાલી રહેલી આ આંગણવાડી કેન્દ્ર-1ના સંચાલકે આ અંગે ઉપલી કચેરીને લેખિત જાણ કરી છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ આ અંગે લેખિત રજૂઆત કરી છે. આ ગ્રામ પંચાયતનું મકાન ખુલ્લામાં છે તેની ફરતે કોઈ દીવાલ નથી સામે મુખ્ય રોડ પસાર થાય છે અને રોડ ઉપર વાહન વ્યવહાર ચાલુ હોય છે. તેમજ ગ્રામ પંચાયતના આ મકાનની એકદમ નજીક પાણીનું વોકળું નીકળે છે. હાલ ચોમાસાની સિઝન છે જેથી આ વોકળામાં પાણીનો પ્રવાહ વધે કે કોઈ બાળક પાણી જોવા ત્યાં પહોંચી જાય તો અક્સ્માત થઈ શકે. તંત્રએ અન્ય કોઈ બીજી ભાડાની જગ્યા રાખીને કે જૂની આંગણવાડી કેન્દ્રનું સમારકામ કરાવીને ત્યાં આંગણવાડી કેન્દ્ર ચાલુ કરે તેવી સંચાલક, વાલીઓ અને ગ્રામ પંચાયતની માગ છે.