January 22, 2025

ગૌતમ અદાણીની મહાકુંભ યાત્રા, ભંડારામાં જાતે જ ભોજન બનાવી લોકોને પીરસ્યું

Gautam Adani Mahakumbh: ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ઈસ્કોનના ભંડારામાં પણ સેવા આપી હતી.

ગૌતમ અદાણી આજે સવારે જ પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજ પહોંચ્યા પછી તેમણે સીધા ઇસ્કોન પંડાલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગૌતમ અદાણીના પરિવારે પણ ઈસ્કોનના રસોડામાં મદદ કરી હતી. જ્યાં તેમણે ભંડારામાં ભક્તોને ભોજન પીરસ્યું હતું. અદાણી ગ્રુપ ઈસ્કોન સાથે મળીને દરરોજ 1 લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરે છે. તમને જણાવી દઈએ કે આ રસોડામાં દરરોજ 150 ક્વિન્ટલ શાકભાજીનો ઉપયોગ થાય છે અને તમામ વસ્તુઓ સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદવામાં આવે છે.

આ પછી ગૌતમ અદાણીએ વીઆઈપી બોટમાં સંગમની મુલાકાત લીધી હતી અને હનુમાન મંદિરમાં દર્શન અને પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. ગૌતન અદાણીની સાથે તેમના પરિવારે પણ મહાકુંભમાં ભાગ લીધો હતો.

અદાણી ગ્રુપે મહાકુંભમાં આવનારા ભક્તો માટે બેટરી સંચાલિત ગ્રીન ગોલ્ફ કાર્ટ સેવા પણ શરૂ કરી છે. આ સેવા કુંભ મેળાના સ્થળના સેક્ટર 19માં સ્થાપિત ઇસ્કોન કેન્દ્રની નજીક ઉપલબ્ધ છે. આ ગાડી સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી ભક્તોને તેમના નિર્ધારિત સ્થળોએ લઈ જવા માટે કામ કરે છે.