February 15, 2025

તુર્કીના સ્કી રિસોર્ટની આગમાં 76 લોકો હોમાયા, અનેક લોકો ઈજાગ્રસ્ત

Turkey: ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સ્કી રિસોર્ટની એક હોટલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 76 થઈ ગયો છે. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે મૃતકોમાંથી 45 લોકોની ઓળખ થઈ ગઈ છે, જ્યારે અન્યની ઓળખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે આ ઘટનાની તપાસના ભાગ રૂપે અધિકારીઓએ નવ લોકોની અટકાયત કરી છે.

ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે મંગળવારે લાગેલી આગમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા પછી યેરલિકાયાએ કહ્યું કે અમને ખૂબ જ દુઃખ છે. કમનસીબે, આ હોટલમાં લાગેલી આગમાં 76 લોકોએ જીવ ગુમાવ્યા.

12 માળની હોટલમાં આગ લાગી
અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારે સવારે લગભગ 3.30 વાગ્યે બોલુ પ્રાંતના કાર્ટલકાયા રિસોર્ટમાં 12 માળની ગ્રાન્ડ કાર્ટલ હોટેલમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ગવર્નર અબ્દુલ અઝીઝ આયદિને જણાવ્યું હતું કે ગભરાટમાં ઇમારત પરથી કૂદી પડવાથી બે પીડિતોના મોત થયા હતા.

આ પણ વાંચો: વરસાદ માટે તૈયાર રહેજો… દિલ્હીમાં આપ્યું યલો એલર્ટ, આ રાજ્યોમાં ધુમ્મસની આગાહી

હોટલમાં 234 મહેમાનો રોકાયા હતા
આયદિને કહ્યું કે હોટલમાં 234 મહેમાનો રોકાયા હતા. હોટેલના સ્કી ટ્રેનર નેકમી કેપેસુટ્ટને જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે તેઓ સૂઈ રહ્યા હતા. ઘટના બાદ તે બિલ્ડિંગની બહાર દોડી ગયા. તેમણે કહ્યું કે ત્યારબાદ તેમણે લગભગ 20 મહેમાનોને હોટેલમાંથી બહાર કાઢવામાં મદદ કરી. તેમણે કહ્યું કે હોટેલ ધુમાડાથી ભરેલી હતી. જેના કારણે મહેમાનો માટે આગથી બચવાનો રસ્તો શોધવાનું મુશ્કેલ બન્યું.