અંબાજી મંદિરનું સાડી કેન્દ્ર વિવાદમાં, ચોક્કસ સમય રાખવામાં આવતા મહિલાઓનો વિરોધ
વિક્રમ સરગરા, બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજીમાં માતાજીના ચાચર ચોકમાં મંદિરમાં આવતા માઇભક્તો માટે સાડી કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. તેથી ભક્તો પ્રસાદ રૂપે સાડી મેળવી શકે પણ હવે આ સાડી કેન્દ્ર પણ વિવાદમાં ઘેરાયું છે.
યાત્રાધામ અંબાજી મંદિરમાં યાત્રિકો દ્વારા મોટા પ્રમાણમાં માતાજીને સાડીઓ ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આ સાડીઓને પ્રસાદ રૂપે મા અંબાના દર્શને આવતા ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવતી હોય છે. તેની માટે અંબાજી મંદિરમાં સાડી કેન્દ્રની અલયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં કોઈ ભક્ત દ્વારા 500ની સાડી જો મા અંબાને ભેટ કરવામાં આવે તો તે સાડીને મા અંબાને ચડાવ્યા બાદ તેને સાડી કેન્દ્ર પર અડઘી કિંમત એટલે કે 250 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે.
ભક્તો આ સાડીઓ પ્રસાદ રૂપે ત્યાંથી ખરીદી શકે છે. જેને લઈને સાડી કેન્દ્રમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ સાડી કેન્દ્ર હવે વિવાદમાં આવ્યું છે. કારણ કે, આ સાડી કેન્દ્રમાં અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા અંબાજીની મહિલાઓ માટે સાડી ખરીદવા માટેનો એક ચોક્કસ સમય આપવામાં આવ્યો છે. જેમાં તેઓ સાંજના સમયમાં જ સાડી ખરીદી શકશે. જેને લઈને અંબાજી મંદિરમાં આ મહિલાઓ નવા નિયમનો વિરોધ કર્યો હતો અને અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું. આ ચોક્કસ સમયને લાગુ ન કરવા જણાવ્યું હતું તો સામે અંબાજી મંદિર વહીવટદારે પણ મંદિરનો પક્ષ જણાવ્યો હતો.