ગુજરાતમાં 2 વર્ષમાં 60 લોકો પર વન્યપ્રાણીઓએ કર્યો હુમલો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોતરી દરમિયાન તાલાળાના ધારાસભ્ય ભગા બારડે વન્ય પ્રાણીઓના માનવ પર થયેલા હુમલાઓ અંગે માહિતી માંગી હતી. જેના જવાબમાં રાજ્યના વન મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો હતો કે વર્ષ 2022 થી 2024 સુધીમાં 60 માણસો પર વન્ય પ્રાણીઓએ હુમલો કર્યો છે.
વિધાનસભા સત્ર દરમિયાન તાલાળાના ધારસભ્ય ભગા બારડે પ્રશ્ન કર્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓ દ્વારા કેટલા માનવ પર હુમલો કરવામાં આવ્યો? કેટલના મોત નિપજ્યા? કેટલા ઇજા ગ્રસ્ત થયા અને સરકારે કેટલી સહાય આપી છે?. જેના જવાબમાં રાજ્યના વન મંત્રીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષ એટલે કે વર્ષ 2022-2024 માં વન્ય પ્રાણીઓએ કુલ 60 માણસો પર હુમલો કર્યો હતો. તેમાંથી 9 વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત બે વર્ષમાં કુલ 52 લોકો વન્ય પ્રાણીના હુમલાથી ઈજાગ્રસ્ત થયા હતા. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 9 મૃતકોના પરિવારને કુલ 40 લાખ રૂપિયાની સહાય કરી છે
વર્ષ 2022 માં એક મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા સહાય આપી છે, જ્યારે વર્ષ 2023 માં 8 મૃતકોના પરિવારને મળીને કુલ 35 લાખ રૂપિયાની સહાય કરી છે. જેમાં વર્ષ 2023માં એક મૃતકના પરિવારને સહાયની રકમ આપવાની બાકી છે, જ્યારે ઈજાગ્રસ્ત બનેલા 52 લોકોને 4 લાખ 15 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે. જેમાં વર્ષ 2022 માં 24 ઈજાગ્રસ્ત માટે સરકાર 1 લાખ 95 હજારની મદદ કરેલ છે. વર્ષ 2023 માં 28 ઈજાગ્રસ્ત લોકોને સરકાર તરફથી 2 લાખ 20 હજાર રૂપિયા આપ્યા હતા.