December 30, 2024

માલદિવ્સને શા માટે મોદી-ભારત ખૂંચવા લાગ્યા?

સસ્પેન્ડ કરેલા માલદિવ્સના ત્રણ મંત્રીઓ મરિયમ શિઉના, મલશા શરીફ અને મઝહૂમ માજિદ

રૂષાંગ ઠાકર

માલદિવ્સના પાણીમાં અત્યારે ખળભળાટ છે, જબરદસ્ત ઘૂઘવાટ છે. અહીં આમ તો છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી લહેરો ઊઠી રહી છે. એ જ લહેરો પર સવાર થઈને ત્રણ મંત્રીઓ પીએમ મોદી અને ભારત વિશે એલફેલ બોલ્યા, પણ આખરે એના લીધે તેમણે પદ ગુમાવવું પડ્યું. આ ત્રણ મંત્રીઓનાં નામ છે મરિયમ શિઉના, મલશા શરીફ અને મઝહૂમ માજિદ.

આ રહ્યા સવાલો
આખરે એકાએક શા માટે આ મંત્રીઓ એકસૂરમાં મોદી અને ભારતની વિરુદ્ધ ઝેર ઓકવા લાગ્યા? એક સમયે ઇન્ડિયા ફર્સ્ટની પૉલિસી અપનાવનારા માલદિવ્સે કેમ અપનાવી ઇન્ડિયા આઉટની પૉલિસી? આ મંત્રીઓ શું બોલ્યા? મોદી અને ભારતની વિરુદ્ધ ઝેર ઓકવાનો ભારતીયોએ કેવી રીતે બદલો લીધો?

લક્ષદ્વિપની મુલાકાતથી શરૂ થયો વિવાદ
લેટેસ્ટ વિવાદની શરૂઆત પીએમ મોદીની લક્ષદ્વિપની મુલાકાતથી થઈ. અહીં મોદીએ લક્ષદ્વિપના બીચ પર મનમોહક સુંદરતાને માણી તો સાથે જ સ્નોર્કેલિંગ પણ કર્યું. પીએમ મોદીના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા, એના વિશે ખૂબ ચર્ચા થવા લાગી. માલદિવ્સને ખટકવાનું કારણ એ છે કે સોશ્યલ મીડિયા યુઝર્સ કહેવા લાગ્યા કે હોલિડે કે ટુર માટે માલદિવ્સનો સારો ઓપ્શન લક્ષદ્વિપ છે. માલદિવ્સની ઇકોનોમી મોટા ભાગે ટુરિઝમ પર નિર્ભર છે, એટલે સ્વાભાવિક રીતે માલદિવ્સને ખટકે. એટલે જ તો માલદિવ્સના સસ્પેન્ડ કરાયેલા મિનિસ્ટર્સે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું.

કોણે કરી ભારતને ટાર્ગેટ કરવાની શરૂઆત
માલદિવ્સના વરિષ્ઠ મંત્રી અબ્દુલ્લા મઝહૂમ માજિદે જ આ સમગ્ર વિવાદની શરૂઆત કરી હતી. તેમણે ભારત પર માલદિવ્સને ટાર્ગેટ કરવાનો આરોપ મૂક્યો. તેમણે એમ પણ જણાવ્યું કે બીચ ટુરિઝમમાં ભારતને માલદિવ્સ જોરદાર ટક્કર આપી રહ્યું છે. માજિદે બાદમાં તેમનું ટ્વીટ તો ડિલીટ કરી દીધું, પણ એનાથી વિવાદનું સુનામી શરૂ થઈ ચૂક્યું હતું. પછી તો માલદિવ્સના મંત્રીઓ એક સ્ટેપ આગળ વધીને મોદી અને ભારત માટે અત્યંત વાંધાજનક કોમેન્ટ્સ કરવા લાગ્યા. માલદિવ્સના પ્રધાન મરિયમે તો પીએમ મોદીને ‘વિદૂષક’ અને ‘કઠપૂતળી’ કહી દીધા, જોકે, હવે એ પોસ્ટ્સને એક્સ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કરવી પડી છે. વાત માત્ર સસ્પેન્ડ કરવામાં આવેલા આ ત્રણ મંત્રીઓની નથી, પરંતુ માલદિવ્સના અનેક સંસદસભ્યો પણ ભારતની વિરુદ્ધ કોમેન્ટ્સ આપતા રહ્યા છે.

માલદિવ્સમાં ભારત વિરોધી વાતાવરણ
માલદિવ્સમાં ન્યૂઝ વેબસાઇટ્સે પણ આ વિવાદને વધાર્યો છે. પીએમ મોદીની વિઝિટ અને એ પછી માલદિવ્સ અને લક્ષદ્વિપની સરખામણીને લઈને આ વેબસાઇટ્સે ખૂબ રિપોર્ટિંગ કર્યું. આ વેબસાઇટ્સ પરના લખાણમાં માલદિવ્સમાં ટુરિઝમની વિરુદ્ધ એક કૅમ્પેઇન ચલાવવાનો ભારત પર આરોપ મુકાયો. માલદિવ્સે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરીને ભારતના ગુસ્સાથી બચવાની કોશિશ કરી છે. ભારતે આ વિવાદમાં માલદિવ્સના રાજદૂતને સમન્સ બજાવ્યું છે, સ્વાભાવિક રીતે ત્રણ પ્રધાનોની ભારત વિરોધી કોમેન્ટ્સ બદલ ભારત માલદિવ્સ પાસેથી જવાબ માગશે. માલદિવ્સ જવાબમાં સ્વાભાવિક રીતે કહેશે કે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરાયા છે. અલબત્ત આ ઉપરછલ્લી જ કોશિશ હોવાનું જણાય છે. કેમ કે, માલદિવ્સના અધિકારીઓ અને નવી ભારત વિરોધી સરકારના સપોર્ટર્સ હજી પણ મેદાને કૂદી પડ્યા છે. #VisitMaldives હેશટેગ સાથે તેઓ માલદિવ્સના હોલિડે રિસોર્ટ, બીચ અને હોટેલ્સના ફોટોગ્રાફ્સ મૂકીને ટુરિસ્ટ્સને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે.

સમજુ કહે છે કે ભારતને સપોર્ટ આપો
એક રીતે માલદિવ્સમાં ભારત વિરોધી માહોલ ઊભો થઈ રહ્યો છે, પરંતુ માલદિવ્સમાં કેટલાક સમજુ લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે. આવા લોકોએ જ મોદી અને ભારત વિરોધી પોસ્ટ્સનો ભારે વિરોધ કર્યો હતો. માલદિવ્સના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ મોહમ્મ્દ નાશીદે આવી પોસ્ટ્સને આઘાતજનક કહી. નાશીદ જ નહીં પરંતુ માલદિવ્સના અનેક લીડર્સે મોદી અને ભારત વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સ બદલ માલદિવ્સની સરકારની ઝાટકણી કાઢી. આ લીડર્સ સમજે છે કે મોદીને સમગ્ર દુનિયા એક ગ્લોબલ લીડર તરીકે માનવા લાગી છે, ભારતની શક્તિને સમજી ચૂકી છે ત્યારે એવા સમયે ભારતથી દુશ્મનાવટ માલદિવ્સને મોંધી પડી શકે છે. પોતાના દેશમાંથી જ ખૂબ વિરોધ થતાં આખરે માલદિવ્સની સરકારને પોતાના જ મંત્રીઓની વિરુદ્ધ એક્શન લેવાની ફરજ પડી છે. માલદિવ્સની સરકારે સ્ટેટમેન્ટમાં જાહેર કર્યું છે કે સરકારમાં પદ પર રહીને ભારતનું અપમાન કરતી પોસ્ટ્સ કરનારાઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

PM - NEWSCAPITALPM - NEWSCAPITAL

મોદી વિરુદ્ધ કેમ બોલ્યા?
સવાલ એ છે કે માલદિવ્સના આ ત્રણ પ્રધાનોમાં ભારત અને મોદી વિરુદ્ધ પોસ્ટ્સ કરવાની હિંમત કેવી રીતે આવી? આ એકાએક નથી, પરંતુ માલદિવ્સમાં નવેમ્બરમાં સત્તા પરિવર્તન થવાની સાથે જ બંને દેશોના સંબંધોમાં ઓચિંતા અસર થઈ. ઇન્ડિયા ફર્સ્ટ પોલિસીના બદલે માલદિવ્સે ઇન્ડિયા આઉટ પોલિસી અપનાવી. મોહમદ મુઇઝુએ ચૂંટણી માટેના પ્રચારમાં જ માલદિવ્સમાં રહેલા ઇન્ડિયન મિલિટરીના ૭૫ જવાનોના નાના કાફલાને હટાવવાની વાતો કહી હતી. ભારત સરકાર દ્વારા માલદિવ્સને ગિફ્ટમાં આપવામાં આવેલા ડોર્નિયર એરક્રાફ્ટ અને બે હેલિકોપ્ટરને ઓપરેટ કરવા માટે જ આ કાફલો માલદિવ્સમાં તહેનાત રહેતો હતો. મુઇઝુ નવેમ્બરમાં માલદિવ્સના પ્રેસિડન્ટ બન્યા ત્યારથી ધારણા મુજબ જ ભારત સાથેના માલદિવ્સના સંબંધો વણસવા લાગ્યા. માલદિવ્સ અને ભારત વચ્ચે વિશેષ નાતો રહ્યો છે, આ પહેલાં સુધી માલદિવ્સના પ્રેસિડન્ટ્સ તેમના વિદેશપ્રવાસની શરૂઆત ભારતથી જ કરતા હતા. જોકે, મુઇઝુએ તેમના પ્રથમ વિદેશપ્રવાસ માટે તુર્કીને પસંદ કર્યું. મુઇઝુ ન ફક્ત ભારત વિરોધી છે, પરંતુ તેઓ ભારતના દુશ્મન ચીન સાથે ગાઢ દોસ્તી કરી રહ્યા છે. તેઓ આજે ચીનની મુલાકાતે છે. એક રીતે માલદિવ્સ ચીનના ખોળામાં બેસી ગયું છે. માલદિવ્સ સાથે ભારતના સંબંધો સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના છે.

માલદિવ્સ અને લક્ષદ્વિપ આઠ ડિગ્રી ચૅનલથી અલગ થાય છે, આ નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે એ ભૂમધ્ય રેખાની ઉત્તરમાં આઠ ડિગ્રી અક્ષાંશ રેખા પર સ્થિત છે. માલદિવ્સ અને ચીન વચ્ચે પાક્કી દોસ્તી થાય તો એનાથી ભારત માટે ખતરો ઊભો થઈ શકે છે. ચીન એના જાસૂસી કરતા જહાજોને માલદિવ્સમાં તહેનાત કરી શકે છે. વળી, ચીન દેવાની જાળમાં માલદિવ્સને ફસાવી રહ્યું હોવાથી માલદિવ્સની પાસે છૂટકો જ ન રહે. માલદિવ્સના માથે ચીનનું ૧.૩ અબજ ડૉલર એટલે કે ૧૦૮ અબજ રૂપિયાનું દેવું છે. આ આંકડો જાહેર છે, પણ વાસ્તવિક દેવું કેટલું છે અને એ દેવામાં માલદિવ્સ કેટલું અને ક્યારે ડૂબશે એ તો સમય જ કહેશે. આ જ કારણે માલદિવ્સના પ્રેસિડન્ટ ભારતના બદલે ચીન જાય તો એ સ્વાભાવિક છે. નેપાળ અને શ્રીલંકા પહેલાં જ ચીનની દેવાની જાળમાં ફસાયા અને બરાબર સમજી ગયા છે કે ચીન કરતાં ભારતનો સાથ જરૂરી અને ખાસ છે. એટલે જ તો શ્રીલંકાએ થોડા સમય પહેલાં જ સંશોધનના નામે જાસૂસી કરતા ચાઇનીઝ જહાજોને શ્રીલંકાનાં બંદરો પર એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો. આશા છે કે માલદિવ્સ પણ ટૂંક સમયમાં શ્રીલંકાની જેમ સમજી જશે.

ભારતીયોએ જવાબ આપ્યો
જોકે, ભારતીયોએ ઓલરેડી માલદિવ્સને પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે. અનેક ભારતીયોએ દેશભક્તિ બતાવીને માલદિવ્સનું તેમનું વેકેશન કૅન્સલ કરી દીધું છે. સ્વાભાવિક રીતે હવે તેમની પાસે એક સારો ઓપ્શન લક્ષદ્વિપ છે. માલદિવ્સ સરકારે ૨૦૨૮ સુધીમાં ૩૫ લાખ ટુરિસ્ટ્સનો ટાર્ગેટ સેટ કર્યો છે. અત્યાર સુધીમાં માલદિવ્સની વિઝિટ કરનારા ટુરિસ્ટ્સમાં ૨૦ ટકા ભારતીયો હતા. હવે ભારતીયો માલદિવ્સના બદલે બીચ વૅકેશનને માણવા માટે લક્ષદ્વિપની પસંદગી કરે તો એનાથી માલદિવ્સની ઇકોનોમીને ફટકો પડી શકે છે. ૨૦૨૩માં જ લગભગ ભારતમાંથી બે લાખથી વધુ લોકોએ માલદિવ્સની વિઝિટ કરી હતી. હવે આ ભારતીયોની પાસે લક્ષદ્વિપનો ઓપ્શન છે. એટલે જ તો છેલ્લા ૨૪થી ૪૮ કલાકમાં અનેક ભારતીયોએ માલદિવ્સની હોટેલ્સમાં રોકાવાના તેમના બુકિંગ્ઝને કેન્સલ કરી દીધા છે. અત્યાર સુધી આપણે બોલિવૂડના સ્ટાર્સને માલદિવ્સની વિઝિટ કરતા ફોટોગ્રાફ્સ જોયા છે. તેમના ફોટોગ્રાફ્સને જોઈને પણ અનેક ભારતીયોએ માલદિવ્સનો પ્રવાસ કર્યો છે. હવે આ જ ફિલ્મસ્ટાર્સ પીએમ મોદીની લક્ષદ્વિપની વિઝિટના ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે પિક્ચર બદલાઈ જાય, જેનો માલદિવ્સને ડર છે. સલમાન ખાન, અક્ષય કુમાર અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સે તો તેમના ફેન્સને વિદેશના બદલે ભારતના દરિયાકાંઠે આવેલાં સુંદર સ્થળોને માણવા અપીલ કરી છે. હાર્દિક પંડ્યા અને વેંકટેશ પ્રસાદે પણ ઇન્ડિયન ટુરિઝમ સેક્ટરને સપોર્ટ આપવા અપીલ કરી. હવે આપણે સલમાન ખાનના ટ્વીટ પર એક નજર કરીએ, જે વાચીને સ્વાભાવિક રીતે માલદિવ્સ અકળાય. સલમાને લખ્યું છે કે ‘મોદીને લક્ષદ્વિપના સ્વચ્છ અને શાનદાર બીચને માણતા જોવા કૂલ છે, બેસ્ટ વાત એ છે કે, એ આપણા ભારતમાં છે.’ ટાઇગર શ્રોફે લક્ષદ્વિપ માટે શું લખ્યું કે ‘સમૃદ્ધ સંસ્કૃતિ, શાંત બીચ અને હુંફાળા લોકોના કારણે એક આકર્ષણ જન્મે છે.’ ‘બાગી’માં તેની સાથી કલાકાર શ્રદ્ધા કપૂરે પણ ભારતના દરિયાકાંઠાને માણવાની અપીલ કરી એટલે જ પહેલાં ફિલ્મસ્ટાર્સને ફોલો કરીને ભારતીયો માલદિવ્સ જતા હતા, હવે વધુને વધુ લોકો ભારતના દરિયાકાંઠાને માણતા જોવા મળશે.