સયાજીબાગમાં વિશ્વામિત્રી નદી પર આવેલો 100 વર્ષ જૂનો બ્રિજ બંધ, નિષ્કાળજી-બેદરકારીને લીધો બન્યો જર્જરિત

વડોદરાઃ સયાજીબાગમાં વિશ્વામિત્રી નદી પર આવેલો બ્રિજ બંધ હોવાથી સહેલાણીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સયાજીબાગમાં ગાયકવાડી શાસનમાં 100 વર્ષ પહેલાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની નિષ્કાળજી અને બેદરકારીના કારણે બ્રિજ જર્જરિત બન્યો છે.
છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી બ્રિજ બંધ હોવાથી સહેલાણીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નાના બાળકો સાથે આવતા સહેલાણીઓને વધુ મુશ્કેલી પડી રહી છે. કમાટીબાગમાં અલગ અલગ શહેર, રાજ્ય તેમજ દેશમાંથી મુલાકાતે સહેલાણીઓ આવે છે.
પક્ષી ઘરથી પ્રાણી ઘર સુધી જવા માટે સહેલાણીઓને 1 કિમી સુધી ફરવું પડે છે. પાલિકા વહેલી તકે સમારકામ કરી બ્રિજ શરૂ કરે તેવી માગ કરવામાં આવી છે. સ્થાયી સમિતિમાં નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત આવી હતી. સભ્યોમાં આંતરિક જૂથબંધીના કારણે દરખાસ્ત પરત મોકલવામાં આવી છે.
આ મામલે મેયર પિન્કી સોનીએ જણાવ્યુ હતુ કે, બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવતા ઉપયોગમાં જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ખુબ જ જૂનો અને જર્જરીત હોવાથી છેલ્લા 6 મહિનાથી બ્રિજ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકારની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી નવીન બ્રિજ બનાવવાનું આયોજન છે.