November 24, 2024

Vadodara રેલવે સ્ટેશને ભીડનો લાભ લઈ પર્સ ચોરતી બે મહિલાની ધરપકડ

દર્શન ચૌધરી, વડોદરાઃ શહેરમાં આવેલા રેલવે સ્ટેશને ભીડનો લાભ લઈ મહિલાઓના પર્સ તફડાવતી બે મહિલાની રેલવે પોલીસે ધરપકડ કરી છે. ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, રણોલી વિસ્તારમાં શ્રી ટાઉનશીપમાં રહેતા હેમંતકુમાર બંસીલાલ સૈની તેમની પુત્રવધૂ નેહા તેમજ પૌત્રીને મધ્યપ્રદેશના મંદસોર જવાનું હોવાથી તેઓ બાન્દ્રા ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડવા માટે રેલવે સ્ટેશન આવ્યા હતા. ટ્રેનના જનરલ કોચમાં નેહા તેમજ તેમની પુત્રી બંને ચડી ગયા બાદ ટ્રેન ઉપડી હતી અને થોડા સમયમાં નેહાનો તેના સસરા પર ફોન આવ્યો હતો કે, બેગમાં મૂકેલું નાનું પર્સ ભીડમાં ચોરી થઈ ગયું છે. પર્સમાં સોનાનું મંગળસૂત્ર, રોકડ સહિત 42 હજાર જેટલી મત્તા હતી. આ અંગે હેમંતકુમારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ પરિવારને સોંપાયા

આ દરમિયાન રેલવે એલસીબીના સ્ટાફને રેલવે સ્ટેશન પર બે મહિલાઓ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં ફરતી જણાતા પોલીસે બંને મહિલાઓ પાસેનો સામાન તપાસતા એક પર્સ મળ્યું હતું. જેમાં રોકડ અને સોનાનું મંગળસૂત્ર હતું. આ અંગે ઝડપાયેલી મહિલાઓની પૂછપરછ કરતા બંનેએ પેસેન્જરોની ભીડનો લાભ લઈ મહિલા પેસેન્જરના ખભે ભેરવેલા થેલાની ચેન ખોલી પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બિન્દુ વિશાલ નિનામા અને સુનીતા ઉર્ફે દુબળી લાલાભાઇ મેડા (બંને રહે.દાહોદ)ની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ RMCની એફિડેવિટથી અનેક સવાલ, તંત્ર ઉંઘતુ રહ્યું ‘ને 28 હોમાઈ ગયા!

પોલીસે જણાવ્યું હતું કે, ટ્રેનમાં ચડતી મહિલાઓને બંને મહિલાઓ ટાર્ગેટ કરતી હતી. નાના બાળકને આગળ કરી એક મહિલા પેસેન્જરની આગળ ઊભી રહે જ્યારે બીજી મહિલા પેસેન્જરની પાછળ પોતાની ઓઢણી પર્સ પર આડી કરી અંદરથી સામાનની તફડંચી કરતી હતી. અગાઉ પણ આ બંને મહિલાઓ ઝડપાઈ હતી, પરંતુ ચોરીનો સામાન નહી મળતાં બંનેને છોડી દેવાઈ હતી.