November 24, 2024

વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહએ 5 કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરા: વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડેસર સાવલી માર્ગ પર આવેલ પેટ્રોલ/સીએનજી પંપના મેનેજર સહિત પાંચ કર્મીને 60 લાખનો હિસાબ ન મળતા ધમકી આપતા આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કુલદીપસિંહ સામે ઓફિસમાં ગોધી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. સાથે જ સ્ટેમ્પ પેપર પર ઉચાપાત કર્યાનું લખાણ કરાવ્યાનો આરોપ છે.

વડોદરા ડેરીના ડીરેકટર કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો છે. ડેસર-સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાઉલજીનો CNG પેટ્રોલ પંપ આવેલો છે, જ્યાં વિશ્વા પેટ્રોલ પંપ ઉપર હિસાબમાં ગોટાળા થયા હતા. જેમાં રૂપિયા 60 લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં ચાર કલાક સુધી ગોંધી રાખીને કુલદીપસિંહ રાઉલજી દ્વારા જબરજસ્તી કબુલાત કરાવીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

આ પણ વાંચો: ગાંધીનગર પાસે આવેલું જૂના પહાડિયા ગામ વેચાઈ ગયુ

કુલદીપસિંહ રાઉલજીએ જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી કરી હતી. અને જો 60 લાખ રૂપિયા નહિ આપો તો તારા બાપાને કહેજે તારે જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે તેવી પણ ધમકી અપાઈ હતી. સાથે જ આ વાત કોઈને પણ કહેશો તો પાંચેવને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલમાં ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ ઓડિયો રેકોર્ડિંગમાં કુલદીપ સિંહ સતત ગાળો અને ધમકી આપતા સાંભળવા મળે છે, ગભરાઈ ગયેલા પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનિય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસના બેનર ઉપર કુલદીપસિંહ રાઉલજી લડ્યા હતા અને ચૂંટણી હારી જતા પુન: ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાઉલજીને ભાજપે ડભોઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો.