November 10, 2024

પૂર્વ પત્નીનું અપહરણ કરવા આવેલા પૂર્વ પતિ સહિત 4 ઈસમોની પૂણા પોલીસે કરી ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરતની પુણા પોલીસે પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા ચાર ઈસમોને અપહરણ કરે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને અન્ય મુદામાલ મળી 10.30 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી ચાર ઈસમો એક દેશી હાથ બનાવટનો તમંચો લઇ સુરતમાં આવી રહ્યા છે. જેથી પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવી, સીમાડાથી પર્વત પાટિયા તરફ આવતા કેનાલ રોડ પર પાસેથી એક કારને અટકાવી હતી. પોલીસે તેમાંથી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મહિપાલસિંહ રણવીરસિંહ ગુર્જર, અનિલ ઉર્ફે છોટુ રાજેન્દ્ર પાલ, કલ્લુ ઉર્ફે રાજુ પાલ અને જોની મુન્નાલાલ કુશવાહને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, શૂટરનું ઘટનાસ્થળે જ મોત

પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને મોબાઈલ તથા કાર મળી 10.30 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓની તમંચો શા માટે લઈને ફરતા હતા તે અંગે પૂછપરછ કરતા જણાવ્યુ હતું કે, મુખ્ય આરોપી મહિપાલસિંહ ગુર્જર તેમની પત્ની સાથે ઓકટોબર 2018માં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમ્યાન મહિપાલસિંહ ગુર્જરે પોતાના તથા પત્નીના નામ પર ગ્વાલિયર મકાન ખરીદ્યું હતું. બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સબંધ બંધાતા માર્ચ 2024 મહિપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લીધા હતા.

બાદમાં પતિ-પત્નીના નામનું લીધેલું મકાન હતું તે મકાન મહિપાલસિંહના નામ પર કરાવવા મથામણ ચાલતી હતી, તે વખતે તેમની પત્ની માર્ચ 2024માં સુરત રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેથી મહિપાલસિંહ તેની પૂર્વ પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઇ જવાના ઈરાદે અન્ય ત્રણ ઈસમો સાથે સુરત આવતો હતો. જો કે પૂર્વ પત્નીનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે તે ચારેયની ધરપકડ કરી છે. પોલીસે તમંચા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.