July 2, 2024

Vadodara ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, એકસપ્રેસ હાઇવે નજીકથી લાખોનો દારૂ ઝડપાયો

દર્શન ચૌધરી, વડોદરાઃ શહેર નજીકના એક્સપ્રેસ હાઈવે ઉપર આજોડ ગામની સીમમાંથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં લઈ જવા મતો રૂપિયા 44.83 લાખની કિમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવવામાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોડી રાત્રે એલસીબીની ટીમ મંજુસર પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને માહિતી મળી જતી કે સિમેન્ટ મિક્સકરવામાં આવતા કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનાર છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમ આજોડ ગામની સીમમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન માહિતીવાળુ કન્ટેનર પસાર થતાં તેને વોચમાં ગોઠવેલી પોલીસે રોકી હતી.

આ પણ વાંચોઃ વડોદરા રેલવે સ્ટેશને ભીડનો લાભ લઈ પર્સ ચોરતી બે મહિલાની ધરપકડ

પોલીસે ચાલક ચાદમલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે કન્ટેનરના પાછળના ભાગની સીડી ઉંચી કરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો દારૂ ભરેલી 934 પેટી મળી આવી હતી. પોલીસે દારૂ ભરેલું કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

તેમણે જણાવ્યું કે, જે કન્ટેનર બનાવ્યું હતું તે માત્ર દારૂની હેરાફેરી માટે જ બનાવ્યું હોય તેમ લાગતું હતું. કન્ટેનર ઉપર વંડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બુટલેગરોનો કીમીયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ પરિવારને સોંપાયા

LCB પીઆઇ કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી આવી રહ્યો હતો અને અમદાવાદ તરફ જઈ રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે, આ બનાવવામાં ફરાર રાજુ નામના વ્યક્તિની ધરપકડ થયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. હાલ પોલીસે રૂપિયા 44 લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો અને કન્ટેનર મળી રૂપિયા 59.88 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મંજુસર પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ચાંદમલ સવજીભાઈ મીણા (રહે કમરિયા ફલા પીપળી ગામ, તાલુકો રીસભદેવ, રાજસ્થાન)ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજોડ ગામની સીમમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ RMCની એફિડેવિટથી અનેક સવાલ, તંત્ર ઉંઘતુ રહ્યું ‘ને 28 હોમાઈ ગયા!

ઉલ્લેખનીય છે કે, બુટલેગરો દ્વારા સહી સલામત રીતે દારૂનો જથ્થો જે તે સ્થળે પહોંચાડવા માટે નવા નવા કીમીયા અપનાવી રહ્યા છે. પરંતુ પોલીસ દ્વારા નિષ્ફળ બનાવીને દારૂના હેરાહેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. તો બીજી બાજુ વરણામાં પોલીસે ફાજલપુર ગામની સીમમાંથી ટેમ્પોમાં લઈ જવા તો રૂપિયા 1.39 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી છોટાઉદેપુર જિલ્લાના સીમલ ફળિયા ચચેર ગામના રહેવાસી હેમસિંગ વાલસીંગ રાઠવા અને મલાની ગામના રહેવાસી વિક્રમ જયંતિ રાઠવાની ધરપકડ કરી હતી. જ્યારે આ દારૂનો જથ્થો મોકલનારા મધ્યપ્રદેશના પીપળીયા ગામના કાકા સાહેબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે વરણામાં પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવવાની વધુ તપાસ વરણામાં પોલીસ મથકના સિનિયર પીએસઆઇ વીજી લાંબરીયા કરી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો વડોદરા જિલ્લામાં કોણે ત્યાં પહોંચતો કરવાનો હતો તે અંગેની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.