November 25, 2024

Junagadhના બે મનો દિવ્યાંગોએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢના બે મનો દિવ્યાંગોએ અનોખી સિધ્ધી હાંસલ કરી છે. માનસિક રીતે ક્ષતિગ્રસ્ત બે મનો દિવ્યાંગોએ તાજેતરમાં લેવાયેલી બોર્ડની ધોરણ 12ની પરીક્ષા પાસ કરીને એક ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. મનો દિવ્યાંગો આત્મનિર્ભર બને તે માટે સામાજીક સંસ્થા દ્વારા એક પ્રયાસ હાથ ધરાયો છે. મનો દિવ્યાંગો પણ સામાન્ય માણસની જેમ સમાજમાં પુનઃસ્થાપિત થાય તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે અને મનો દિવ્યાંગોને સારવાર તાલીમ અને શિક્ષણ આપી રહી છે.

જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી માનસિક દિવ્યાંગોના પુનઃસ્થાપન માટે આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશનમાં 18 વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગોને તાલીમ આપવામાં આવે છે. સંસ્થાનું માનવું છે કે માનસિક દિવ્યાંગોને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો તાલીમ જ તેની સારવાર સાબીત થાય છે અને તેના થકી જ તેની પ્રગતિ અને તેનું સમાજીક રીતે પુનઃસ્થાપન કરી શકાય છે પોતાના આ જ ઉદેશ્ય સાથે સંસ્થા દ્વારા દિવ્યાંગોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને તેને સમાજમાં પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આશાદીપ સંસ્થા ખાતે મનો દિવ્યાંગ વ્યક્તિઓને નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ સારવાર અને તેની ક્ષમતા અનુસાર તાલીમ આપવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતાં નિષ્ણાંતોની દેખરેખ હેઠળ દિવ્યાંગોને વિવિધ તાલીમ આપવામાં આવે છે, સંસ્થાનું માનવું છે કે આ પ્રકારની તાલીમ તેમની માનસિક દિવ્યાંગતાને હળવી કરે છે અને સાથે મળતી યોગ્ય સારવારથી વ્યક્તિને ફરી સામાન્ય અવસ્થામાં લાવી શકાય છે.

સંસ્થાના આ પ્રયાસ અંતર્ગત વત્સલ ખાનપરા અને અબ્દુલ શાહમદાર નામના બે વિદ્યાર્થીઓએ તાજેતરમાં લેવાયેલી બોર્ડની ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે, આ બંને વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો વત્સલ ખાનપરા કોઈ અજાણ્યા વ્યક્તિ કે એકસાથે વધુ લોકોને જૂએ તો ગભરાઈ જતો હતો, વત્સલ બોલી શકે છે, વાંચી લખી શકે છે અને થોડા ઘણાં હિસાબ પણ કરી શકતો હતો આથી તેનું કાઉન્સેલીંગ કરી તેની સાથે પરીચીત થઈને તેને યોગ્ય સારવાર અને તાલીમ આપવામાં આવી અને બાદમાં તેણે પરીક્ષા આપી જેમાં તે પાસ થયો, જ્યારે અબ્દુલ શાહમદાર તો બોલી જ નથી શકતો, પરંતુ ઈશારાથી તે બધુ સમજી જાય છે એટલે તેને પણ ખાસ તાલીમ આપવામાં આવી અને તેણે પણ પરીક્ષા પાસ કરી. મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષામાં અલગ વ્યવસ્થા હોય છે તેનો પરીક્ષાખંડ અલગ હોય છે, તેને 100 માંથી 20 ગુણ મેળવીને પાસ થવાનું હોય છે તેમને રાઈટર મળે છે, આ બંને વિદ્યાર્થીઓ મનો દિવ્યાંગ હોવા છતાં તેમણે 12માં ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી છે, આ એક મોટી સિધ્ધી છે અને તેનાથી તેને જીવનમાં પોતે પણ કાંઈક કરી શકે છે તેવો વિશ્વાસ જાગ્યો છે. તેમનામાં ઉત્સાહ વધ્યો છે અને સંસ્થાના આ પ્રયાસથી તેના ફરી એક સામાન્ય માણસની જેમ પુનઃસ્થાપનની આશા જાગી છે.