October 5, 2024

Gujarat ATSએ વધુ એક Pakistan જાસૂસની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાન જાસૂસની કરી ધરપકડ છે. પોરબંદરના માછીમારને પાકિસ્તાની જાસૂસે હનીટ્રેપમાં ફસાવીને જાસૂસ બનાવ્યો હતો. નોંધનીય છે કે, બે મહિનામાં 3 પાકિસ્તાની જાસૂસનો પર્દાફાશ થયો છે. રાષ્ટ્રીય સુરક્ષાની માહિતી મેળવવા પાકિસ્તાન ISI સોશિયલ મીડિયા પર હનીટ્રેપમાં ફસાવીને જાસૂસ બનાવતા હોવાનો ખુલાસો થયો છે.

પકડાયેલ પાકિસ્તાન જાસૂસનું નામ જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા છે. આરોપીની ઉંમર માત્ર 21 વર્ષ છે અને તે પોરબંદરમાં સુભાષ નગર ખાતે રહે છે. દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે. આરોપીએ છેલ્લા ચારેક મહિનાથી એડવિકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં રહીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જેટી તેમજ તેના વહાણોની માહિતી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક મેસેન્જર અને વ્હોટસએપ તેમજ ટેલિગ્રામ જેવી એપ્લિકેશનથી પાકિસ્તાનના એજન્ટને મોકલી હતી. આ પાકિસ્તાન એજન્ટએ સોશિયલ મીડિયાથી હનીટ્રેપમાં ફસાવીને જાસૂસ બનાવ્યો અને રાષ્ટ્રીયની સુરક્ષાની માહિતી મેળવી હતી. ગુજરાત ATSને પાકિસ્તાન જાસૂસના ઇનપુટ મળતા પોરબંદરથી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બોટાદ: સમઢીયાળા ગામે તળાવમાં ડૂબી જતા 2 યુવકના મોત

પાકિસ્તાન જાસૂસની તપાસમાં સામે આવ્યું કે આરોપી જતીન જાન્યુઆરી 2024થી અડવિકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. આ પ્રોફાઈલ એક મહિલાની હોવાથી જતીન ચારણીયા હનીટ્રેપમાં ફસાયો હતો. આ મહિલા ફેસબુક મેસેન્જર પર ચેટ કરી મિત્રતા કેળવી અને જતીનનો વિશ્વાસ મેળવ્યો હતો. છેલ્લા 4 માસના સમયગાળા દરમિયાન અડવિકાની માંગણી મુજબ જતીન ચારણીયા તેને મેસેજ કરી પોરબંદર ખાતે જેટી તેમજ જેટી ઉપર ઊભેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શીપના વિડીયો અને વિગતો મોકલતો હતો. જે બદલ અડવિકાએ તેને ટુકડે ટુકડે 6000 રૂપિયા આપ્યા હતા. જે બાદ અડવિકાની સૂચના મુજબ જતીન ચારણીયાએ અડવિકાએ તેને આપેલા ટેલિગ્રામ એકાઉન્ટ ઉપર ચેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જે ચેટીંગ ઓટો ડીલીટ થઈ જતા ATSએ પાકિસ્તાન જાસૂસનો મોબાઈલ FSLમાં મોકલ્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાન જાસૂસે ગુજરાતનું સીમકાર્ડ લઈને પાકિસ્તાન એજન્ટને વોટ્સએપનું OTP આપીને પાકિસ્તાન કરાચી ખાતે ઓપરેટ કરાવ્યું હતું. જેથી આ વોટ્સએપ ચેટીંગને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની સલામતી માટે CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં 3 પાકિસ્તાન જાસૂસ ઝડપાયા છે, જેમાં પાકિસ્તાન જાસૂસ જતીન ચારણીયા પહેલા ATSએ ગુજરાતમાંથી સીમ કાર્ડ પાકિસ્તાની જાસૂસી સંસ્થાને મોકલનાર જાસૂસ મોહમ્મદ સકલેનની જામનગરથી ધરપકડ કરી હતી . જ્યારે તાજેતરમાં CID ક્રાઇમે ભરૂચ થી પ્રવીણ મિશ્રા નામના જાસૂસની ધરપકડ કરી હતી. આ આરોપી ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન ના ISISના એજન્ટોને મોકલતો હતો. પાકિસ્તાન એજન્ટ હવે હનીટ્રેપમાં ફસાવીને યુવતી કે પૈસાની લાલચ આપીને રાષ્ટ્રીય સુરક્ષાની ગુપ્ત માહિતી મેળવી રહ્યાં હોવાનું ATS ખુલાસો કર્યો છે. હાલમાં કેટલા યુવાનો આ હનીટ્રેપમાં પાકિસ્તાન જાસૂસ બન્યા છે જેને લઈને ATS તપાસ શરૂ કરી છે.