ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો
જય વ્યાસ, ભરૂચ: ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે. પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી અને પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો. જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ ખોલી સરકારી તિજોરી
આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં તમામ હકીકત દર્શાવી હતી. જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલામાં મૃતક તૃપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે. જતીનની પત્નિ તૃપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સબંધ હતા. જે બાબતે બંન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વ્હાલુ કરી લીધુ હતુ. પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.