December 11, 2024

અમદાવાદને લાગ્યું લાંછન, BJ મેડિકલમાં વિદ્યાર્થિઓ સાથે રેગિંગ કરી સિગારેટના ડામ દીધા

મિહિર સોની, અમદાવાદ: ગુજરાતને શર્મશાર કરતી વધુ એક ઘટના આવી સામે આવી છે. અમદાવાદની જાણીતી મેડિકલ કોલેજ BJ મેડિકલ કોલેજમાં 2 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવાની ઘટના સામે આવી છે. રેગિંગની ઘટના સામે આવતા તબીબી શિક્ષણ સહિત ગુજરાતના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે BJ મેડિકલ કોલેજમાં બે વિદ્યાર્થિઓ સાથે રેગિંગ કરતાં સિગારેટના ડામ દેવા જેવા હિન કૃત્યો કરવામાં આવ્યા હતા. જેને લઈને ABVP દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, BJ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિઓ સાથે રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે, કોલેજ દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરતાં ABVPના કાર્યકરો દ્વારા BJ મેડિકલ કોલેજમાં હલ્લાબોલ કરીને ડીનને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થિઓ સાથે રેગિંગ કરીને તેમને શરીરમાં સિગારેટના ડામ દેવા, સત્તત ઊંઘવા ન દેવું અને એક જ કપડા પેહરાવી રાખવા જેવા કૃત્યો કરીને હેરાન કરવામાં આવતી હતી.

BJ મેડિકલ કોલેજને ડીનને આપવામાં આવેલ આવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે. BJ મેડિકલમાં ઓર્થો ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી ડોકટર સાથે રેગિંગ કરવામાં આવે છે. રેગિંગથી કંટાળીને એક વિદ્યાર્થી અભ્યાસ છોડી વતન જતો રહ્યો છે. જ્યારે, બીજા વિદ્યાર્થીએ રેગિંગથી કંટાળી 2 દિવસ પહેલા જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

બે R-2ના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા એક વર્ષથી રેગિંગ કરવામાં આવતી હતી. જોકે, રેગિંગની ઘટના પર કોલેજ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ABVPએ વિરોધ પ્રદર્શન કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ અને જવાબદાર ડોકટરને સસ્પેન્ડ કરીને કમિટી બનાવવાની માંગ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, BJ મેડિકલ કોલેજનું ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ રેગિંગ માટે જાણીતું છે. અગાઉ 2022માં પણ રેગિંગની ઘટના સામે આવી હતી. BJ મેડિકલ કોલેજ દ્વારા કડક પગલાં ન લેવાતા વારંવાર રેગિંગની ઘટનાઓ બનતી રહે છે. મધ્યપ્રદેશના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બનતા ડરીને કોલેજ છોડી વતન જતો રહ્યો હતો.