સુરતમાંથી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી, ચારની ધરપકડ
કિરણસિંહ ગોહિલ, સુરતઃ જિલ્લામાંથી વધુ એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો છે. સ્ટેટ વિઝિલન્સ ટીમે દરોડા પાડી અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે ઘી બનાવવાની મશીનરી, ઘી, ડબ્બાઓ સહિત સાધન સામગ્રી ઝપ્ત કરી ચાર જેટલા ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી ક્યારેક ડુપ્લિકેટ ટોલનાકા તો ક્યારેક ડુપ્લિકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. બે નંબરીયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરવામાં અચકાતા નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે મનફાવે તેમ ખીલવાડ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીનું કારખાનું ઝડપી પાડ્યું છે. રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાદ્યપદાર્થો આપ સેવન કરી રહ્યા જ હશો.
કેટલાક લેભાગુ તકસાધુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુપ્લિકેટ ઉપયોગ કરતા હોય છે. તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે. થોડા સમય પહેલાં ડુપ્લીકેટ વિમલ ગુટકાનું કારખાનું સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું. થોડા દિવસ પહેલાં કામરેજ પોલીસ એક મકાનની અંદર ચાલતું સુમુલ ડેરી બ્રાન્ડનું ડુપ્લિકેશન ઝડપી પાડ્યું છે. ત્યારે ફરી એકવાર ઓલપાડની માસમાં જી.આઈ.ડી.સીમાંથી વધુ એક નકલી ઘીની ફેકટરી સ્ટેટ વિઝિલન્સની ટીમે ઝડપી પાડી છે.
મસમોટી ફેકટરીમાં ઘીના ડબ્બાઓ, મશીનરી, ઘીનો જથ્થો મોટો પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પામ ઓઇલ તેમજ વેજિટેબલ ઓઇલ કલરનું મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતા હતા. સ્ટેટ વિઝિલન્સની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘી તેમજ અન્ય પદાર્થોના સેમ્પલ લઈ વધી તજવીજ હાથ ધરી છે. આ સાથે પોલીસે નજીકમાંથી જ એક ગોડાઉન પર ઝડપી પાડ્યું છે. પોલીસે મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો તેમજ મુદ્દામાલ જપ્ત કરી ચાર જેટલા ઇસમોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી હતી.
સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ખાણીપીણીની ચીજ વસ્તુઓનું વેચાણ કરવાના કારોબારનું પોલીસ પર્દાફાશ કરતી રહે છે. પરંતુ કેટલાક આરોગ્ય માફીયા પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.