સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં ACમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી, માલસામાનને મોટું નુકસાન
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં જૂની બોમ્બે માર્કેટમાં એસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે ફાયરવિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયરની 7 જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં દુકાનમાં રહેલા શૂટ અને શેરવાનીના માલને નુકશાન પહોંચ્યું હતું. જો કે, સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
હાલ ઉનાળાને પગલે ઇલેક્ટ્રિક વસ્તુઓ પર લોડિંગ વધી જતું હોય છે અને તેના કારણે શોર્ટસર્કિટ થાય છે. જેથી આગ ભભૂકી ઉઠે છે. તેવી જ રીતે જૂની બોમ્બે માર્કેટમાં આવેલ H1 વિભાગમાં ગારમેન્ટની દુકાનમાં આગ લાગી હતી. તૈયાર શૂટ ,શેરવાની બનાવતી દુકાનના એસીમા શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એસીમાં આગ લાગતા દુકાનમાં રહેલ કાપડનો માલ પણ સળગ્યો હતો. જેના કારણે આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો.
આગને પગલે ફાયર વિભાગને જાણ કરતા કાપડ માર્કેટ આગ લાગી હોવાથી ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રસરે તે પહેલાં જ આગ કાબૂમાં કરી લીધી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું છે. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ દુકાનમાં રહેલા તૈયાર શૂટ શેરવાનીને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.