November 2, 2024

ઘરે બેઠાં મતદાન કર્યાના ત્રણ દિવસ બાદ વૃદ્ધાનું નિધન, અંતિમ મતદાન બન્યું યાદગાર

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા સિનિયર સિટીઝન માટે ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે ગત 26 એપ્રિલના રોજ મતદાન કરનારા ચંદ્રિકાબેન પટેલને ભાગ્યે જ ખ્યાલ હશે કે દેશ માટે આ તેમનું છેલ્લું અમૂલ્ય યોગદાન બની રહેશે. 26 એપ્રિલના દિવસે મતદાન કર્યાના ત્રણ દિવસ બાદ જ તેમનું નિધન થયું છે.

આજે અનેક લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી રહ્યાં. ત્યારે 90 વર્ષીય ચંદ્રિકાબેન પટેલ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યાં છે. સાયન્સ સીટી વિસ્તારમાં રહેતાં ચંદ્રિકાબેન પટેલે ગત 26 એપ્રિલના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના પસંદગીના ઉમેદવારને વોટ આપ્યો હતો અને 29 એપ્રિલના રોજ તેઓ નિધન થયું હતું.

આ સમગ્ર મામલે શિક્ષણ જગત સાથે સંકળાયેલા તેમના પુત્ર પંકજ પટેલે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 90 વર્ષની ઉંમરે પણ તેમને કોઈ બીમારી હતી નહીં અને દરેક ચૂંટણીમાં તેમણે મત આપીને લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ વખતે તેમને જાણ થઈ કે બેલેટથી તેઓ મતદાન કરી શકે છે તે જાણીને તેઓ ખુશ થઈ ગયા હતા અને આ વખતે 26 એપ્રિલના રોજ તેમણે મત આપ્યો હતો.