મૌલવીનો નવો વીડિયો વાયરલ – કાફિરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે
અમિત રુપાપરા, સુરતઃ શહેરના હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યાના કાવતરા મામલે ક્રાઈમ બ્રાન્ચે સોહેલ અબુબકર નામના મૌલવીની ધરપકડ કરી છે. ત્યારે આ મૌલવીની પૂછપરછમાં નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. તપાસ એજન્સીની એક ટીમ નેપાળ પણ તપાસ કરવા માટે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત વિદેશી કનેક્શનને લઈને ઇન્ટરનેશનલ કોલ ડિટેઇલ્સ પણ પોલીસ મેળવી રહી છે. ત્યારે મૌલવીનો વધુ એક જેહાદી માનસિકતા ધરાવતો વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયો 2018નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુરતમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યાના કાવતરા મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કામરેજના કઠોરથી સોહેલ અબુબકર નામના એક મૌલવીની ધરપકડ કરી છે. ત્યારબાદ તેમની પાસેથી કેટલાક સાથેના ચેટીંગ અને હથિયારની ડીલ થતી હોવાના પુરાવા પણ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળ્યા હતા. આ બાબતે વધુ તપાસ માટે NIA, CID ક્રાઇમ અને ATS જેવી એજન્સીઓ પણ મૌલવીની પૂછપરછ કરી રહી છે. મૌલવીના તાર નેપાળ અને પાકિસ્તાન સાથે જોડાયા હોવાનું પુરવાર થતાં તપાસ એજન્સી નેપાળમાં પણ તપાસ કરી રહી છે.
તો બીજી તરફ, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીના ભાઈ અને મૌલવી સાથે ભણતા કામરેજ કઠોર અને તેની આસપાસના વિસ્તારમાં મદરેસામાં બાળકોને અભ્યાસ કરાવતા અન્ય મૌલવીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સોહેલ અબુબકરના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ સોહેલનો વધુ એક હિંદુ વિરોધી માનસિકતા ધરાવતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 2018નું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને વીડિયોમાં તે જેહાદની વાતો કરી રહ્યો છે.
મૌલવીએ આ વીડિયોમાં કહ્યું છે કે, ‘હજુ અમે જેહાદ શરૂ કર્યું નથી. જેહાદ પહેલાંના સમયમાં થતા હતા અને તમે લોકો આવો હાલાત ઉભો કરશો તો જેહાદ આજે પણ થશે. જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સરબુલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે. આજે જો જંગના હાલત ઉભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે, એક વાત ભૂલી જજો કે મુસલમાન હિંદુઓથી ડરે છે. મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ટપકાવી દેશે. મૌલાનાએ એવું પણ જણાવ્યું હતું કે, લડવું હોય તો કાફિરો સાથે લડો તેનું ગળું પણ કાપી નાંખો. અલ્લાહે પણ કહ્યું છે કે, તમે કાફિરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે.’