સુરતમાં ફૂટપાથ પર માતા સાથે સૂતેલી બાળકીનું મધરાતે અપહરણ, ગુપ્તાંગમાં દુખાવો થતા દુષ્કર્મ થયાની આશંકા

અમિત રુપાપરા, સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે માતા પાસે સૂતેલી બાળકીનું અજાણ્યા નરાધમે અપહરણ કરી દુષ્કર્મ આચાર્યુ હોવાની આશંકાને લઈને કતારગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 6 વર્ષની બાળકીને ગુપ્તાંગના ભાગે દુઃખાવો થતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકાને લઈને ડોક્ટરો દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા હાલ આ ઘટનાને પગલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે એક 6 વર્ષની બાળકી પરિવાર સાથે ફૂટપાથ પર રહેતી હતી. રાત્રિના સમયે આ બાળકી માતા પાસે સૂતી હતી. સવારે બાળકીને ગુપ્તાંગના ભાગે દુખાવો થયો હોવાના કારણે તેને પરિવારના સભ્યોને આ બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ પરિવાર બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટર દ્વારા બાળકીની તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટર દ્વારા આ બાબતે પોલીસને માહિતી આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવતા તાત્કાલિક કતારગામ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, કોઈ નરાધમ રાત્રિના સમયે બાળકીને લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોઈ શકે છે. હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ ઘટનાસ્થળની આસપાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનના PI તેમજ DCP અને ACP સહિતના પોલીસ અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા હતા. તો બીજી તરફ સુરત શહેર દ્વારા પણ આ ઘટનાને લઈને ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બાળકી પરિવાર સાથે જે જગ્યા પર રહેતી હતી તે જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ડોક્ટરો દ્વારા પણ બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. ડોક્ટરો દ્વારા બાળકીના અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકે છે કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે નહીં. પરંતુ હાલ તો ડોક્ટરે વ્યક્ત કરેલી આશંકાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.