November 22, 2024

મિત્રતા પર લાંછન: Suratમાં મિત્રની બારમાની વિધિમાં જ તેની પત્નીનો ફોન ચોરી કર્યો

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને શાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધીમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો. બાદમાં તેના બેંકમાંથી 3 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. આ બીમારીમાં તેનું મોત નીપજ્યું હતું. જેથી તેની વિધીમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. પરિવારની સાથે હરહંમેશા રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતાં, પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને બારમાની વિધીમાં પરિવાર વ્યસ્ત હતું. તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો. શોકની વિધીમાં કોઈને ફોન યાદ આવ્યો નહોતો, પરંતુ પીઠમાં ખંજર ભોંકનાર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો.

આરોપી સંદીપ દેસાઈને ફોનના પાસવર્ડ અને ગૂગલપેના યૂપીઆઈ પીન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતાં. જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ચોરી લીધા હતાં. આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ-એફઆઈઆર દાખલ કરાવી હતી. જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની અને તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી ચોરીને અંજામ આપનારને મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.