9 વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ, બે તરુણની ધરપકડ
સુરતઃ શહેરમાં એક જ દિવસમાં બાળકી સાથે દુષ્કર્મ થવાની બીજી ઘટના સામે આવી છે. ગોડાદરા વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે બે નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું છે. તેટલું જ નહીં, બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, બાળકીની માતાએ બાળકીની પૂછપરછ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે માતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી બંને તરુણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ગણતરીના કલાકોમાં જ બંને તરુણોની ધરપકડ કરી હતી.
ચોક બજારમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ
તો બીજી તરફ, ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાડા 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકીને શોધી કાઢી હતી. બાળકી લોહીલુહાણ હાલતમાં મળતા પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતાં પોલીસે બાળકીનું અપહરણ કરનાર અને તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની શોધખોળ હાથ ધરી હતી. ચોક બજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનારા અંકિત ઓમપ્રકાશ ગૌતમ નામના નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ પંડોળ વિસ્તારમાંથી એક સાડા ચાર વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી.