June 30, 2024

Rajkot અગ્નિકાંડ મામલે વધુ એક રાજકોટ મનપાના અધિકારી સસ્પેન્ડ

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા અધિકારી રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારી રોહિત વિગોરા રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર એન્‍ડ ઇમર્જન્‍સી સર્વિસિસના સ્ટેશન ઓફિસર હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આમ કુલ 7 અધિકારીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે.

પહેલાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દુર્ઘટના બાદ છ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યૂટી એન્જિનિયર સહિત બે સિનિયર PIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ SIT સિનિયર અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે SITની તપાસ પર નજર રાખી રહ્યા છે. રાજ્ય સરકાર તપાસમાં કોઈ કચાસ રાખવા માગતી નથી. આ સમગ્ર મામલે ઉદાહરણરુપ કાર્યવાહી કરી દાખલો બેસાડવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ, SIT પૂછપરછ કરશે

અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ
આ દુર્ઘટનામાં કુલ 6 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ગઈકાલે માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ભાગીદાર રાહુલ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: વધુ એક આરોપી ભાગીદાર રાહુલ રાઠોડ ઝડપાયો

કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.