November 22, 2024

રાજકોટનો લાંચિયો CGST અધિકારી ઝડપાયો, CBIએ કરી ધરપકડ

રાજકોટ: રાજકોટમાં આજે ફરી CBIએ દરોડા પાડીને CGST અધિકારીની ધરપકડ કરી છે. રાજકોટના CGST અધિકારીની 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા CBI દ્વારા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીની ઓળખ નવીન ધનકર તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આજે રાજકોટના ​​CGST ઇન્સ્પેક્ટર નવીન ધનકરને ફરિયાદી પાસેથી રૂ. 2.50 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. CBIએ 3 જુલાઇના રોજ ફરિયાદ દાખલ કરીને આરોપી CGST ઇન્સ્પેકટર નવીન ધનકરની 2.50 લાખની લાંચ મારવાના આરોપો હેઠળ ધરપકડ કરી લીધી છે. CGST અધિકારીએ ખાનગી કંપનીના મેનેજર પાસેથી લાંચ માંગી હતી. જેને લઈને ફરિયાદીએ CBIને ફરિયાદ કરી હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફરિયાદી અને પેઢીના માલિક પાસે તેઓ ખોટો વ્યવસાય કરતાં હોવાનું અને વાસ્તવમાં માલની હેરફેર નહિ કરતાં હોવાનું કહીને લાંચ માંગી હતી.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ધમકી આપી હતી કે જો તેઓ પોતાનો ધંધો ચાલુ રાખવો હોય તો લાંચ આપવી પડશે. અને જો તે એમ નહિ કરે તો તેમનો GST નંબર કેન્સલ કરી દેવામાં આવશે. ફરિયાદને પગલે CBIએ છાકટું ગોઠવીને આરોપી CGST ઇન્સ્પેકટર નવીન ધનકરને અઢી લાખ રૂપિયાની લાંચ માંગતા અને સ્વીકાર કરતાં રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. વધુમાં, CBIએ આરોપીના ઘરે તપાસ પણ હાથ ધરી છે.