October 11, 2024

ધોધમાર વરસાદ બાદ વલસાડનો 60 કિમીનો હાઇવે બન્યો જોખમી

વલસાડ: સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે સાથે વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી સતત ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો. જેને લઈને ઠેરઠેર પાણી ભરવાની સમસ્યા સ્થાનિકો વેઠી રહ્યા હતા. ત્યારે, હવે વરસાદ બંધ થતા જ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. વાઘલધરાથી લઈ ભીલાડ સુધીના રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થયા છે. સર્વિસ રોડ સહિત નેશનલ હાઇવે 48ના મોટા બ્રિજ ઉપર ખાડાઓ પડી જતા સળિયાઓ દેખાવા લાગ્યા છે. વલસાડ જિલ્લાના 60 કિલોમીટરના હાઇવે હાલ તો જોખમી બન્યો છે.

નવસારી જિલ્લા બાદ મુંબઈ તરફ જતા વલસાડ જિલ્લાની શરૂઆત થાય છે અને શરૂઆત થતાની સાથે જ પહેલું ગામ વાઘલધરા ત્યાંથી શરૂઆત થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશતા ગુજરાતનું છેલ્લું ગામ ભીલાડ સુધીના 60 કિલોમીટરના હાઇવે ઉપર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થયા છે. પહેલા જ વરસાદે વલસાડ જિલ્લાના હાઇવેના રસ્તાઓ તોડી નાખ્યા છે. કેટલાક વાહનોએ ખાડામાં પડીને ફસાયા છે. તો બીજી તરફ, વાપી નજીકના નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પર પણ મસમોટા ખાડાઓ પડતા ટ્રાન્સપોર્ટરો પરેશાન થયા છે.

વલસાડ જિલ્લાના મહત્વના મોટાભાગના બ્રિજ ઉપર ખાડાઓ પડી જતા, રસ્તા ધોવાતા બ્રિજના સળિયા દેખાવા માંડ્યા છે. વાપી નજીક આવેલી દમણ ગંગા નદીના બ્રિજ પર રસ્તો ધોવાઈ જતા સળિયાઓ દેખાયા છે. તો, બીજી તરફ વલસાડ ખાતે આવેલી વાંકી નદીના બ્રિજ પર પણ મસમોટો ખાડો પડતા વાહનો અંદર ફસાઈ ગયા હતા. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચોમાસા પહેલા હાઇવે ઉપર પેચ વર્ક કરવામાં આવ્યું હોવા છતાં હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવ્યું હોવાથી પહેલા જ વરસાદમાં ખાડાઓ પડી જતા વાહન ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટરો હેરાન પરેશાન થઈ ગયા છે.

બોરીયાચ ટોલનાકાથી લઈને બગવાડા ટોલનાકા ઉપર જે પ્રકારે ટોલ ઉઘરાવવામાં આવે છે. તેની સામે રસ્તાઓની કામગીરી સંપૂર્ણપણે યોગ્ય ન થતી હોવાના ટ્રાન્સપોર્ટરોએ આક્ષેપ લગાવ્યા છે. વાહન ચાલકોનું કહેવું છે કે ખરાબ રોડ રસ્તાઓને કારણે વાહનોને ઘણું નુકસાન થાય છે. વહીવટી તંત્ર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે અને રસ્તાઓનો સમારકામ થાય તો પરેશાની થતા અટકી શકે છે.