July 5, 2024

AIIMSમાં માત્ર 35 રૂપિયામાં થશે ટેસ્ટ; 160થી વધુ રિપોર્ટ્સ કઢાવી શકાશે

rajkot aiims more than 160 reports nominal charges routine test in 35 rupees

રાજકોટમાં AIIMSનું લોકાર્પણ

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઇમ્સનું લોકાર્પણ કર્યું છે. ત્યારે સમાન્ય પરિવારના દર્દીને પરવડે તેવા નજીવા દરે સેવા-સુષુશ્રા કરવાની એઇમ્સની આગવી પરંપરા અહીં પણ સાકાર થશે.

રાજકોટ એઇમ્સમાં 250 બેડના ઇન્ડોર પેશન્ટ વિભાગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે અહીં દાખલ થયેલા દર્દીઓને વિવિધ લેબોરેટરી રિપોર્ટ્સ માટે ઇનહાઉસ સુવિધા પણ શરુ કરવામાં આવશે.

એઇમ્સ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચના જણાવ્યા અનુસાર, સી.બી.સી, બાયોપ્સી, લિપિડ પ્રોફાઈલ, કિડની ફન્કશન સહિતના લોહીના 160 જેટલા વિવિધ રિપોર્ટ્સ અને ઍકસ-રેના અલગ અલગ 30 જેટલા રિપોર્ટ્સ નોમિનલ ચાર્જમાં કરી આપવામાં આવશે.

એઇમ્સ અને ખાનગી લેબમાં થતા રિપોર્ટ્સની કમ્પેરિઝન કરીએ તો અહીં સી.બી.સી. રિપોર્ટનો દર માત્ર 25 રૂપિયા છે. જેનો ખાનગી લેબોરેટરીમાં 200 રૂપિયા છે. બાયોપ્સી કરવાનો ભાવ 374 છે, જ્યારે ખાનગી લેબમાં 1200 રૂપિયા છે. લિપિડ પ્રોફાઈલ 275 સામે ખાનગીમાં 600, લીવર ફંક્શન ટેસ્ટના 225 રૂપિયા, ખાનગીમાં 700 રૂપિયા, કીડની ફંક્શનના 225 રૂપિયા, ખાનગીમાં 600 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે. વિવિધ સીરમ ટેસ્ટ 75 રૂપિયામાં જ થશે.

આ સાથે ડેન્ગ્યૂ, ચિકન ગુનિયાના ટેસ્ટ માત્ર 25 રૂપિયામાં, મેલેરિયા 50 રૂપિયામાં, ટાઈફોડનો રિપોર્ટ 80 રૂપિયા તેમજ સ્ટૂલ રૂટિન ટેસ્ટ 35 રૂપિયા રાખવામાં આવ્યો છે.

એક્સ-રેમાં છાતીના 70 રૂપિયા રાખવામાં આવ્યા છે. ખભ્ભો, ગોઠણ, પગ, કોણી, કરોડરજ્જુ, હથેળી, આંગળી, સ્કલ સહિતના શરીરના બાહ્ય અંગોના એક્સ-રેના માત્ર 150 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ચાર્જ ખાનગી જગ્યાએ સામાન્ય રીતે 500 રૂપિયા જેટલો લેવામાં આવતો હોય છે.

એઇમ્સમાં ઇન્ડોર પેશન્ટ વિભાગમાં 14થી વધુ ફેકલ્ટીમાં સઘન સારવારના શ્રીગણેશ થવા જઈ રહ્યા છે. ત્યારે સંલગ્ન સેવાઓમાંથી રિપોર્ટ તેમજ દવાઓ પણ દર્દીને પોસાય તે રીતે ચાર્જ રાખવામાં આવ્યો છે. જેથી કરીને સામાન્ય માણસ પણ સેવાનો લાભ લઈ શકે.