એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ રાજકોટની 144 રહેણાંક બિલ્ડિંગને નોટિસ

રાજકોટઃ તાજેતરમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે અચાનક ફાયર બ્રિગેડના કર્મીઓ ઘોર નિંદ્રામાંથી જાગ્યા છે અને રહેણાંક બિલ્ડિંગોને નોટિસ ફટકારવાની કામગીરી કરી છે.
એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ રાજકોટ ફાયર વિભાગે ફાયર NOC રિન્યૂ ન કરાયેલી હોય તેવાં 144 રહેણાંક બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું છે કે, આગ લાગવાની ઘટના બાદ હવે મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા ફાયર વ્યવસ્થા ન હોય, NOC ન હોય તેવા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ફાયર વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારબાદ હજુ બે વખત નોટિસ આપવામાં આવશે. જો ત્રણ નોટિસ મળે તો પણ ફાયર વ્યવસ્થા અને NOC નહીં લેવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પાણીના કનેક્શન અને લાઇટ કનેક્શન કાપી નાંખવામાં આવશે.’