June 28, 2024

રાહુલે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ પર કેન્દ્ર પર કર્યાં પ્રહાર, PM મોદી પેપર લીક અટકાવવામાં નથી સક્ષમ

NEET Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે UGC NEET UG પરીક્ષામાં કથિત પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું, “તમામ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપના લોકોએ કબજે કરી લીધી છે. જ્યાં સુધી તેઓ મુક્ત ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. પીએમ મોદી આ પેપર લીકને રોકી શક્યા નથી. એક પરીક્ષામાં ગેરરિતિ બાદ તમે રદ કરી ચૂક્યા છો, બીજી પરીક્ષા રદ થશે કે નહીં તે ખબર નથી, પરંતુ આ માટે કોઈ તો જવાબદાર છે અને આ માટે કોઈને તો પકડવવું જોઈએ.”

રાહુલે કહ્યું, “NEET પેપર અને UGC-NET પેપર લીક થયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું. ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ પણ નરેન્દ્ર મોદીએ બંધ કરાવ્યું હતું, પરંતુ કોઈને કોઈ કારણસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપરો લીક થતા અટકાવી શકતા નથી અથવા રોકવા માંગતા નથી. બિહારમાં પેપર લીકના આરોપીઓની ધરપકડ અંગે રાહુલે કહ્યું કે અમે પહેલા જ કહ્યું છે કે તપાસ થવી જોઈએ અને જેણે પણ પેપર લીક કર્યું તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે આગામી સંસદ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી.