November 10, 2024

દિલ્હીમાં ભારે વરસાદ, એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત ધરાશાયી; એકનું મોત

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. એરપોર્ટના ટર્મિનસ-1 પર વરસાદના કારણે છત તૂટી પડતાં ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1ની છતનો એક ભાગ તૂટી પડતાં છ લોકો ઘાયલ થયા હતા. કાટમાળ અનેક કાર અને ટેક્સીઓ પર પડ્યો હતો. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે, છતની શીટ્સ ઉપરાંત સપોર્ટ બીમ પણ તૂટી પડ્યા હતા. તેના કારણે ટર્મિનલના પિક-અપ અને ડ્રોપ એરિયામાં પાર્ક કરેલી કારને નુકસાન થયું હતું. ક્ષતિગ્રસ્ત વાહનોમાં અન્ય કોઈ ફસાઈ ન જાય તે માટે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.


લોખંડનું બીમ પડવાથી કારનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તેમાં સવાર છમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, DFSને સવારે 5.30 વાગ્યાની આસપાસ ઘટના અંગે કોલ મળ્યા બાદ ત્રણ ફાયર ટેન્ડરોને એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યુ કે, ‘હું T1 દિલ્હી એરપોર્ટ પર છત પડી જવાની ઘટના પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યો છું. અકસ્માત માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. આ ઉપરાંત એરલાઇન્સને T1 પર તમામ અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે.’