July 4, 2024

કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગને લઈ વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોતરી

વિધાનસભા - NEWSCAPITAL

ગાંધીનગરઃ આજે વિધાનસભા ગૃહમાં કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગને લઈને પ્રશ્નોત્તરી થશે. આ દરમિયાન કૃષિ વિભાગના જવાબો આપવા માટે બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત નાદુરસ્ત હોવાને લીધે તેમના સ્થાને કૃષિ વિભાગના જવાબો આપવા માટે અન્ય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કૃષિ વિભાગના જવાબો રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ આપશે
શનિવારે મોડી રાત્રે મંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતા તેમણે વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉધોગને લઈ પ્રશ્નોતરી  થવાની છે. તેવામાં કૃષિ વિભાગના પ્રશ્નોના જવાબો આપવા માટે રાઘવજીભાઈની જગ્યાએ બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ વિભાગના જવાબો આપવા માટે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડને જવાબદારી આપવામાં આવી છે. તો અંદાજ પત્ર પર સામાન્ય ચર્ચામાં કુંવરજી હળપતિ સંબોધન કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત નાદુરસ્ત હોવાથી હાલ તેઓ સારવાર હેઠળ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

બ્રેઈન સ્ટ્રોક - NEWSCAPITAL

CM ભુપેન્દ્ર પટેલે રાઘવજીભાઈના સ્વાસ્થ્યને લઈને ડોક્ટર સાથે વાત કરી
મંત્રી રાઘવજી પટેલની મોડી રાત્રે અચાનક તબિયથ લથડતા સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ તેમણે વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમણે બ્રેઈન સ્ટ્રોક હોવાનું નિદાન કર્યું હતું. મંત્રી રાઘવજી પટેલ હાલ તબીબોની દેખરેખ હેઠળ ICUમાં દાખલ છે. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મંત્રી રાઘવજી પટેલના સ્વાસ્થ્યને લઈને ડોક્ટર સાથે વાત કરી હતી.