October 6, 2024

તમે તો આવી મોતની ઇમારતમાં રહેતા નથી ને ?

Prime 9 With Jigar: ગુજરાતના સુરતમાં 6 માળની ઇમારત ધરાશાયી થતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે ખળભળાટ મચાવ્યો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, કે, સચિનના પાલીગામના ડીએન નગર સોસાયટીમાં બપોરે 3 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં સાત લોકોનાં મોત થયાં અને સંખ્યાબંધ લોકો ઘાયલ થઈ ગયાં.

આ મોત માટે કોણ જવાબદાર ?

  • 6 જુલાઈની સાંજે સુરતમાં ભારે વરસાદ.
  • 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ.
  • ઈમારત માત્ર 8 વર્ષ જૂની હતી.
  • આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ.
  • આસપાસ રહેતાં લોકો ઘરોની બહાર દોડી ગયા.
  • બિલ્ડિંગનાં કુલ 30 મકાનોમાંથી પાંચમાં લોકો રહેતા હતા.
  • મોટાભાગના સચિન જીઆઈડીસીમાં કારખાનાના શ્રમિકો હતા.
  • બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કઢાયેલા 7 મૃતદેહોની ઓળખ થઈ.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમો દ્વારા બચાવ કામગીરી આખી રાત ચાલુ રહી હતી પણ વરસાદના કારણે વચ્ચે વચ્ચે કામ રોકવું પડ્યું. રવિવારે વહેલી સવારે કામ શરૂ કરાયું ત્યારે પણ વરસાદ ચાલુ હોવાથી તકલીફ પડી. રવિવારે સવારથી એનડીઆરએફ અને સ્થાનિક ફાયર વિભાગ સહિતની ટીમો બચાવ કામગીરી શરૂ કરી છતાં મોડી સાંજ કર્મચારીઓ કાટમાળ હજુ પણ હટાવી રહ્યા હતા. ફાયર અધિકારીઓએ કાટમાળ નીચે શોધવા માટે ફ્લેશલાઇટ બેટરીનો ઉપયોગ કર્યો.

બિલ્ડિંગ કેવી રીતે થયું ધરાશાયી ?

    • બિલ્ડિંગ સચિનના બિલ્ડર જય દેસાઈએ બનાવી.
    • જેઓ હાલ અમેરિકાના પ્રવાસે.
    • ઇમારત શા માટે પડી એનું સાચું કારણ જાણી શકાયું નથી.
    • નબળું બાંધકામ મુખ્ય કારણ હોવાનું સ્પષ્ટ છે.
    • 2016માં ગેરકાયદે આ બિલ્ડિંગ બનાવાયું.

સરકારી તંત્ર સાત લોકોનાં મોત થયાં એ પછી સફાળું જાગ્યું છે. પોલીસ કમિશનરથી માંડીને ધારાસભ્ય સુધીના બધા દોડતા થઈ ગયા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાની, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી, ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ, વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિત બધાં ઘટનાસ્થળે પહોંચી ગયાં. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે આ વિસ્તારમાં જે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ આ દુર્ઘટના અંગે તપાસ પણ કરી રહી છે. સુરત જિલ્લા કલેકટર સહિત મહાનગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બિલ્ડિંગ સ્ટ્રક્ચર અંગેની તપાસ હાથ ધરી છે.

જર્જરિત ઇમારતોનું જોખમ

      • સુરતમાં ભારે વરસાદના કારણે સતત હોનારતો.
      • હાલમાં જ બે મકાન ધરાશાયી થયાં.
      • સુરતના ભવાનીવડ વિસ્તારમાં ઘટના.
      • હનુમાન શેરીમાં ભારે વરસાદને કારણે બે મકાન ધરાશાયી થયાં.
      • બંને મકાન જર્જરિત હોવાના કારણે તૂટી પડ્યાં.
      • મકાન નંબર 51078 અને 51079 ધરાશાયી થયાં.
      • વડોદરામાં પણ જર્જરિત મકાન પડતાં એક મહિલાનું મોત.
      • વડોદરાના જાંબુઆ ખાતે બીએસયુપી હાઉસિંગની ઘટના.
      • જર્જરિત મકાનનો ભાગ પડતાં ઘરમાં રહેલી એક મહિલાનું મોત.

આ પ્રકારની ઘટનાઓ સતત બન્યા જ કરે છે. આપણે બહું લાંબો ઈતિહાસ ના જોઈએ અને છેલ્લા એકાદ વર્ષની ઘટનાઓ પર પણ નજર નાંખીએ તો સમજાશે કે ગુજરાતમાં આવી ઘટનાઓની નવાઈ નથી. ગુજરાતમાં હજુ ચોસામાની શરૂઆત છે અને જોરદાર વરસાદ પડવો બાકી છે તેથી હજુ એકલદોકલ ઘટનાઓ બની છે પણ જેમ જેમ ચોમાસુ આગળ વધશે તેમ તેમ આવી દુર્ઘટનાઓ વધશે. ગયા વર્ષે એમ જ થયું હતું. ગયા વર્ષે મે મહિનાથી જ મકાનો તૂટવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

દુર્ઘટનાઓ ક્યારે અટકશે ?

      • 2023ના મેમાં અમદાવાદનાં વેજલપુરમાં દુર્ઘટના
      • 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું
      • વેજલપુર સોનલ સિનેમા પાસે આવેલ ગોલ્ડન ફ્લેટ ધરાશાયી
      • કાટમાળમાં ફસાયેલા લોકોને માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા
      • ગોલ્ડન ફ્લેટ જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો
      • મોટા ભાગના પરિવારોએ પહેલેથી જ ફ્લેટ ખાલી કરી દીધા હતા
      • એકાદ-બે પરિવારો ફ્લેટમાં રહેતા હતા
      • અંદાજે સાતથી દસ લોકો કાટમાળમાં ફસાયા હતા
      • ઑગસ્ટમાં ભારે વરસાદ પડતાં અનેક બિલ્ડિંગ તૂટી પડી
      • 2023ના ઓગસ્ટમાં જુનાગઢમાં એક જૂનું મકાન ધરાશાયી
      • ચાર લોકોના દટાઈ જતાં મોત થયાં હતાં
      • પરિવારની બચી ગયેલી મહિલાએ આઘાતમાં આત્મહત્યા કરી
      • ગુજરાતમાં ઑગસ્ટ 2023માં બિલ્ડિંગ ધરાશાયી થવાની બે ઘટનાઓ
      • અમદાવાદમાં 30 વર્ષની એક વ્યક્તિનું મોત
      • ભાવનગરમાં એક મહિલાનું મોત
      • સંકલ્પ બંગ્લોઝ પાસે આવેલી ત્રણ માળની ઇમારતની દીવાલ ધરાશાયી
      • કાટમાળ નીચે વેજલપુરના રહેવાસી શ્યામલાલ જોરિંગ ડોડિયા ફસાયા
      • ભાવનગરમાં કોમ્પલેક્સની બાલ્કની ધરાશાયી થતા મહિલાનું મોત થયું
      • ભાવનગરમાં માધવહિલ કોમર્શિયલ બિલ્ડિંગની બાલ્કની તૂટી

આખરે ઈમારતો માટે નિયમો શું છે…અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ…

આ કોમ્પલેક્સ ત્રણ માળનું હતું કે જેમાં ઉપરથી બિલ્ડિંગની ગેલરી ધરાશાયી થતા નીચે આવેલી બૅન્ક સહિત 10 જેટલી દુકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આ પ્રકારની ઈમારતો તૂટવાની દુર્ઘટનાઓ ગુજરાતમાં બન્યા જ કરે છે. કેમ કે ગુજરાતમાં તંત્ર નિષ્ક્રિય છે અને તેને લોકોની સુરક્ષાની કોઈ ચિંતા જ નથી. આપણે ત્યાં ગેરકાયદેસર બિલ્ડિંગ બની જાય કે ઈમારતો જર્જરિત થઈ જાય પણ તંત્ર કશું કરતું નથી. તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી મોલમાં અગ્નિકાંડ થયો. આ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીથી માંડીને કોઈ પ્રકારની મંજૂરી નહોતી લેવાઈ. આ જ સ્થિતિ ગુજરાતમાં બધે જ છે.ગુજરાતમાં ઠેર ઠેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે નગરપાલિકામાં બેઠેલાં અધિકારી ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે બંધાતાં મકાનો સામે આંખ આડા કાન કરે છે ને તેની કિંમત લોકો ચૂકવે છે.

નિયમ શું કહે છે ?

      • ગેરકાયદે બંધાતાં મકાનો સામે આકરી જોગવાઈ.
      • નિયમ પ્રમાણે બિલ્ડિંગ બનાવવા સાત સ્ટેપની પ્રક્રિયા.
      • ટાઈટલથી માંડીને બિલ્ડિંગ યુઝ પરમિશન માટે પ્રક્રિયા.
      • પ્રક્રિયા પૂરી નહીં કરનારને બે વર્ષ સુધીની કેદની સજા ઉપરાંત બિલ્ડિંગ તોડી પડાય.
      • મંજૂરી વિના બિલ્ડિંગના બાંધકામ બદલ ઠગાઈની ફરિયાદ.
      • ગેરકાયદે બિલ્ડિંગ તૂટી જાય તો માનવવધનો એટલે કે હત્યાનો કેસ નોંધાય.
      • અત્યાર સુધી કોઈ બિલ્ડર સામે હત્યાનો કેસ નોંધાયો નથી.

મોટા ભાગના કેસમાં લોકોના જીવ સાથે રમત કરનાર બિલ્ડરને જવા દેવાય છે. આ પ્રકારના કિસ્સામાં રાજકારણ પણ ભાગ ભજવે છે. અમદાવાદમાં ડિમોલિશન સ્ક્વોડ વિખેરી નંખાઈ એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો હટાવવા માટે ખાસ ડિમોલિશન સ્કવોડ અસ્તિત્વમાં હતી.શહેરના કોઈ પણ વોર્ડ કે તેના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ હોય અથવા રસ્તા પર દબાણો કરવામાં આવેલા હોય તો ડિમોલિશન સ્કવોડ દ્વારા જ તેને દૂર કરવામાં આવતા હતા.2000 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ સ્કવોડ અસ્તિત્વમાં હતી. બાદમાં આ સ્કવોડને વિખેરી નાંખી સ્કવોડની કામગીરી જે તે ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને સ્ટાફને સોંપી દેવામાં આવી.

પ્રામાણિકતાનું ડિમોલિશન ?

      • AMCએ ખાનગી સિકયોરીટી એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપ્યો.
      • ગેરકાયદે બાંધકામ રોકવા જવાબદારી સોંપવામાં આવી.
      • શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનું પ્રમાણ સતત વધતુ ગયું.
      • કોર્પોરેટરોની કે તેમના પરિચિતોની સિક્યોરિટી એજન્સીઓ.
      • એજન્સીઓ લાંચ ખાઈને આંખ આડા કાન કરી દેતી હતી.
      • ખાનગી એજન્સીઓને કોન્ટ્રેક્ટ સોંપવામાં આવ્યા બાદ નવું કૌભાંડ થયું.
      • સાઇટ ઉપર ગાર્ડ મૂકવામાં આવ્યા જ ના હોવા છતાં લાખો રૂપિયાના બિલો મંજૂર.

કૌભાંડો બહાર આવ્યા પછી ગેરકાયદેસર બાંધકામો અંગે ખાનગી સિક્યોરિટી એજન્સીઓને સોંપવામાં આવેલી કામગીરી પણ પાછી ખેંચી લેવામાં આવી પણ ત્યાં સુધીમાં હજારો ગેરકાયદે બાંધકામ ઉભાં થઈ ગયાં. અત્યારે શહેરોમાં બિલ્ડિંગ યુઝ પરમિશન વગરના બાંધકામો સામે એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરી શકે છે પણ ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે પોલીસ બંદોબસ્ત જરૂરી છે.

મોતની ગેરંટી

      • ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા એક્શન.
      • ઈમ્પેકટ ફીનો નિયમ 2011થી ત્રણ વખત લવાયો.
      • નિયમ હેઠળ નાનાં નાનાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાનાં હોય.
      • ભ્રષ્ટાચાર કરીને આખી બિલ્ડિંગોને કાયદેસર કરી દેવાઈ હોવાનો ખેલ.
      • ગુજરાતમાં જર્જરિત ઈમારતો પણ મોટી સંખ્યામાં.
      • ગેરકાયદે બાંધકામો કરતાં વધારે જોખમી.
      • ગુજરાતમાં જર્જરિત ઈમારતોને તોડી પાડવા માટે પણ કશું થતું નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, હમણાં અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નિકળી તેના રૂટ પર પણ 300થી વધારે જર્જરિત અને ભયજનક મકાનો હતાં. દરેક વાર તંત્ર દ્વારા રથયાત્રા પહેલાં ભયજનક મકાનોનો સરવે કરાય છે.જૂના શહેર કોટ વિસ્તારમાં ચિંતાજનક રીતે ભયજનક મકાનોનું પ્રમાણ સતત વધતું જાય છે. તેથી આ મકાનોથી રથયાત્રા પર ખતરો ના થાય એટલે આ સરવે કરાય છે. આ વખતે અમદાવાદના કોટ વિસ્તારમાં 157 મકાનને ભયજનક જાહેર કરાયા હતા. કોટ વિસ્તારમાં 600થી પણ વધુ ભયજનક મકાનોમાં જીવના જોખમે નાગરિકો રહે છે. રથયાત્રામાં લાખો લોકો ભાગ લેતાં હોય છે એ જોતાં કોઈ જર્જરિત મકાન તૂટી પડે ને ભાગદોડ મચી જાય તો શું થાય તેની કલ્પના જ થથરાવી નાંખનારી છે. આ સ્થિતિ આખા રાજ્યમાં છે.

માથે ભમતું મોત

      • ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો.
      • કુલ 50 હજારથી વધારે મકાનો જર્જરિત.
      • ગ્રામ્ય વિસ્તારો સાથે ગણતરી કરો તો 1 લાખ આવાં મકાન.
      • અમદાવાદમાં હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડની સ્થિતિ.
      • પાંચ હજાર કરતાં વધારે મકાનો ગમે ત્યારે તૂટી શકે.
      • ઓછામાં ઓછા 1000 જેટલાં મકાનો ગમે ત્યારે તૂટી પડે એ હદે જર્જરિત.
      • રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર-જુનાગઢ-પાટણમાં હાલત વધારે ખરાબ.
      • અમદાવાદમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડની વસાહતોના 5 હજાર જર્જરિત મકાનો.

મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ફરિયાદો કરાઈ છતાં પણ આ વસાહતોના રિ-ડેવલપમેન્ટના મુદ્દે સંમતિ થતી નથી. અમદાવાદમાં ઓઢવમાં મકાન પડી જવાની ઘટના બાદ ગુજરાત સરકારે જર્જરિત મકાનોને ફરીથી બનાવવા માટેની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી હતી પણ કશું થયું નથી. 2013માં પણ સરકારે આ નીતિ બનાવવાની જાહેરાત કરી હતી પણ હજુ સુધી કંઈ થયું નથી. રાજ્ય સરકારે 2010માં સ્લમ રિ-ડેવલપમેન્ટ પૉલિસી બનાવી હતી.આ યોજના હેઠળ સ્કીમ અમલી ન બનતાં 2013મા ફરી સુધારા કરીને નવી નીતિ બનાવી હતી. આ નીતિમાં 3.50 લાખ ઝૂંપડાના સ્થાને માત્ર 5 હજાર મકાનો જ બની શક્યાં.રાજ્ય સરકારે 15 હજાર બીજા મકાનો માટે મંજૂરી પણ આપી હતી પણ બિલ્ડરો આગળ આવતાં નથી.ભાજપે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે 33,000 કરોડ રૂપિયાના ખર્ચે 50 લાખ મકાનો બનાવશે જેમાંથી 28 લાખ ગામડામાં અને 22 લાખ શહેરોમાં બનશે.છેલ્લાં 12 વર્ષમાં રાજ્યના તમામ શહેરોમાં તમામ 12 સત્તામંડળો, 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને હાઉસિંગ બોર્ડે એક લાખ પણ મકાનો બાંધ્યા નથી. રાજ્ય સરકારે બિલ્ડરોને મોટો ફાયદો કરાવી આપવાની જોગવાઈ કરી હોવા છતાં તેમાં કોઈ સફળતા મળી નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણેક દશકા જૂના આવાસોના પુનર્નિર્માણ માટે એક રિડેવલપમેન્ટ પૉલિસી બની પણ તેમાં કોઈ યોજના આજ સુધી બની શકી નથી. રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં 2000ની સાલ અગાઉના લાખથી વધારે રહેઠાણ અને કમર્શિયલ મકાનો- ઇમારતો જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત મકાનોને તોડીને એ જ જગ્યાએ નવા મકાન- ઇમારત બનાવી શકાતી નથી કેમ કે આ માટેની ચોક્કસ નીતિ સરકાર પાસે નથી.