October 13, 2024

તાપીના ડોલવણમાં પહેલા જ વરસાદમાં ધોવાયો કોઝવે, 5 ગામોની જનતા ત્રાહિમામ

દિપેશ મજલપુરીયા, તાપી: તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામનો કોઝવે પહેલા વરસાદમાં જ બંને બાજુથી ધોવાય જતા પાંચ જેટલા ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબત તંત્રના જવાબદારોને ધ્યાને આવતા જલ્દીથી આ કામગીરી હાથ ધરાશે તેવી હૈયા ધરપત મીડિયા સમક્ષ કરી હતી.

તંત્રની લોલમ લોલની પોલ તાપી જિલ્લામાં પહેલા વરસાદે જ ઉઘાડી પાડી દીધી છે. થોડા દિવસોથી ડોલવણ પંથકમાં પડેલ વરસાદ ને પગલે ઘાણી ગામનો લો લેવલ પરથી પાણી ફરી વળ્યાં હતા. પાણીના સ્તર નીચે ઉતરતાની સાથેજ તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ છે. લો લેવલ બ્રિજના બન્ને છેડે ધોવાણ થઈ જતા ઘાણી ગામ સહિત મહુવરીયા, બામણામાળદુર, ગાંગપુર જેવા પાંચ કરતા વધારે ગામના લોકોને હાલાકી પડી રહી છે.

આ ગામોના લોકોએ બુહારી, વાલોડ, ડોલવણ જેવા મુખ્ય મથકોએ જવા આશરે 10 કિલોમીટરનો ચકરાવો ફરવા મજબુર બન્યા છે. આ અંગે મીડિયા દ્વારા જિલ્લા પંચાયત પેટા સિંચાઈ વિભાગના અધિકારીને મળી જાણ કરતા તેમણે બ્રિજ જૂનો હોય બન્ને છેડેથી ધોવાઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું. અને તેનું જલ્દી થી જલ્દી રીપેર કરવાની ખાતરી આપી હતી.