July 1, 2024

નિયમોની બ્રેક હંમેશા ફેલ કેમ ?

Prime 9 With Jigar: ગુજરાતમાં સ્કૂલો શરૂ થઈ એ સાથે જ સ્કૂલવાનનો કકળાટ પાછો શરૂ થયો છે. ગુજરાતમાં સ્કૂલ વર્ધી વાનમાં બાળકોની સુરક્ષા માટે શું હોવું જોઈએ એ અંગેના નિયમો 2019થી અમલમાં છે પણ અત્યાર સુધી આપણું સરકારી તંત્ર ઘોરતું હતું. હવે, અચાનક જ સ્કૂલો શરૂ થતાં જ તેમને વર્ધી વાનમાં સ્કૂલે જતાં બાળકોની સલામતીની ચિંતા થઈ આવી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે 12 જૂને અચાનક ફતવો બહાર પાડીને સ્કૂલ વર્ધી વાનના માલિકોને ફરમાન કરી દીધું કે, 13 જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી શાળા પરિવહન માટેના સલામતીના નિયમો ફરજિયાત પાળવા પડશે. સ્કૂલ વાન, બસ અને ઓટો-રિક્ષાને લાગુ પડતા નિયમોનું પાલન જરૂરી છે.

નિયમો પાળવા પડશે

  • બેઠક ક્ષમતા મર્યાદા.
  • ફરજિયાત અગ્નિશામકો
  • ફાયર એલાર્મ સિસ્ટમ અને ગતિ મર્યાદા

RTOએ આ નિયમો નહીં પાળનાર સામે કેસ કરીને આકરો દંડ અને વાહન જપ્ત કરવાની ધમકી પણ આપી દીધી. રાજ્ય સરકારે બીજા દિવસથી જ નિયમોનો અમલ કરવાનું ફરમાન કરતાં સ્કૂલ વર્ધી એસોસિએશને આ શરતો પાળવા માટે ત્રણ મહિનાનો સમય માગ્યો પણ સરકારે સમય આપવાની ના પાડતાં એસોસિએશને સોમવારથી હડતાળનું એલાન કરી દીધું. આ હડતાળે વાલીઓને મુશ્કેલીમાં મૂક્યા.

ઘર્ષણની શરૂઆત 

  • અકળાયેલા વાલીઓએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવ્યો
  • RTOએ સ્કૂલ વર્ધી એસોસિએશનના હોદ્દેદારોને મળવા બોલાવ્યા.
  • બેઠકમાં બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થતાં હડતાળ સમેટાઈ.
  • RTOએ એસોસિએશનને 45થી 60 દિવસનો સમય આપ્યો.

આ સમયગાળામાં સ્કૂલ વર્ધી વાહનોએ પોતાનાં વાહનોમાં ફાયર સેફ્ટી સહિતની વ્યવસ્થા કરીને વાહનોને કાયદેસર કરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એસોસિએશને આ શરતોને માની લીધી છે. તેથી બુધવારથી રાબેતા મુજબ સર્વિસ ચાલુ કરી દેશે.

વિદ્યાર્થીઓને જોખમ ? 

  • 45 દિવસ સુધી RTO કોઈ કાર્યવાહી નહીં કરે.
  • RTO અને સ્કૂલ વર્ધી એસોસિએશન બંનેને લાભ.
  • સ્કૂલ વર્ધી વાહનોમાં આ 45 દિવસ બાળકોને જોખમ.
  • સુરક્ષા વગર જ મુસાફરી કરશે ત્યારે તેની જવાબદાર કોની ?
  • RTOએ હાથ ખંખેરી લીધા.
  • કોઈ પણ દુર્ઘટના બનશે તો સ્કૂલ વાહન ચાલકોની જવાબદારી.
  • કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા વિનાનાં વાહનોમાં બાળકોને બેસવાની મંજૂરી અપાઈ.
  • બાળકોની જિંદગી સાથે ખતરનાક રમત.
  • વર્ષોથી નિયમોનો અમલ ન કર્યો એ તંત્રની બેદરકારી.
  • સ્કૂલ વાહન ચાલકોએ નિયમો પાળીને સુરક્ષાની વ્યવસ્થા ના કરી એ તેમની બેદરકારી.
  • તંત્ર અને વાહન માલિકોની બેદરકારીનો ભોગ બાળકો કેમ બને ?

60 દિવસ સુધીમાં આ તમામ વાહનો કાયદેસર થઈ જશે કે નહીં એ પણ સ્પષ્ટ નથી પણ માની લઈએ કે એવું થાય તો ત્યાં સુધી તો માસૂમ બાળકો ભગવાન ભરોસે જ રહેવાનાં છે. RTO એક રીતે પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યું છે. કેમ કે દુર્ઘટના પછીની જવાબદારી નક્કી કરવાનો કોઈ મતલબ નથી. RTOની જવાબદારી તમામ વાહનો નિયમોનું પાલન કરે છે અને તમામ સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે કે નહીં જોવાની છે. RTO આ જવાબદારી સ્કૂલ વર્ધી એસોસિએશનના માથે ઢોળીને પોતાનો બચાવ કરી રહ્યું છે. કોઈ વાહનમાં દુર્ઘટનાનો જરા પણ ખતરો હોય તો એ વાહનને દૂર કરાવીને બાળકોના જીવન પરનો ખતરો દૂર કરવો એ RTOની ફરજ છે.

RTO બેજવાબદાર !

  • બાળકોની સુરક્ષા માટે 2019થી નિયમો.
  • નિયમોનું સમયસર પાલન ન કરનાર જ જવાબદાર ગણાય.

RTOએ અત્યાર સુધી કેમ કશું ના કર્યું ?

  • સ્કૂલોમાં દોઢ મહિનાનું વેકેશન હતું ત્યારે કશું ના કરાયું.
  • આદેશ હોત તો પણ મોટા ભાગનાં વાહનો કાયદેસર થઈ ગયાં હોત.
  • અધિકારીઓ વેકેશન માણવામાં મશગૂલ હતા.
  • અચાનક સ્કૂલ શરૂ થવાના આગલા દિવસે આદેશ આપ્યો.
  • અધિકારીઓને દંડ અને સજા થવી જ જોઈએ.
  • RTOના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર.
  • સ્કૂલની વર્ધી કરતાં વાહનોમાં બાળકોની સલામતી માટેનાં પગલાં લેવાય એ જરૂરી.
  • વાહન માલિકોએ આ પગલાં ભરવાં જ જોઈએ.
  • પગલાં ભરવાનો આદેશ પહેલાં કેમ જાહેર ના કરાયો ?
  • રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગ અચાનક જ જાગી ગયો.
  • શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કરી નાંખ્યા.

સ્કૂલ વર્ધી વાનો વર્ષોથી આ રીતે જ ચાલે છે અને એના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ખતરો ઊભો થતો જ હતો. CNG ટેન્ક પર બાળકોને બેસાડાય કે વાનમાં ઘેટાં-બકરાંની જેમ બાળકોને ભરી દેવાય એ નવી વાત નથી પણ અત્યાર સુધી આ બધી વાતોની ઉપેક્ષા કરાઈ હતી. હવે, રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે સફાળા જાગીને શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કર્યા એનું કારણ રાજકોટના TRP મોલમાં બનેલો અગ્નિકાંડ છે.

અધિકારીઓને આપો સજા

  • અગ્નિકાડમાં તંત્રની બેદકરારી સામે આવી.
  • લોકોનો આક્રોશ ભભૂક્યો એટલે સરકાર એક્શન મોડમાં.
  • સરકારને મોલ સહિતનાં જાહેર સ્થળોમાં પણ ફાયર સેફ્ટીની ચિંતા.
  • સ્કૂલ વર્ધી વાનોમાં પણ ફાયર સેફ્ટીની ચિંતા.
  • અત્યાર સુધી આ નિયમોનો અમલ નહીં.
  • શા માટે ત્રણ મહિના પહેલાં પગલાં ના લીધાં ?
  • સેફ્ટી નિયમોનું સ્કૂલ વર્ધી વાહનોમાં પાલન થાય છે કે નહીં એની ચકાસણી કેમ ના કરાઈ?

સવાલ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાનો છે ત્યારે શિક્ષણ વિભાગ પોતાની કોઈ જવાબદારી નથી એવું કહીને હાથ ખંખેરી નાંખે એ શરમજનક કહેવાય. RTOએ હાલ પૂરતો સ્કૂલ વર્ધી વાહનોને 60 દિવસનો સમય આપીને વિવાદ પર પડદો પાડી દીધો. 60 દિવસની મર્યાદામાં RTO જે નિયમોનું પાલન કરાવવા માગે છે એ નિયમોનું પાલન શક્ય છે કે નહીં એ પણ ચકાસવું જરૂરી છે.

કોણ જવાબદાર ?

  • અત્યારે ગુજરાતમાં લગભગ 2 લાખ જેટલાં સ્કૂલ વર્ધી વાહનો.
  • અમદાવાદમાં 15 હજાર સ્કૂલવાન.
  • સ્કૂલ રિક્ષામાંથી માત્ર 800 પાસે પરમિટ.
  • સ્કૂલવાન-રિક્ષાઓની ચકાસણી કરીને જ પરમિટ આપવી પડે.
  • RTO કઈ રીતે 60 દિવસમાં 14 હજારથી વધુ રિક્ષા અને વાનને ચકાસીને પરમિટ આપી શકે ?
  • એસોસિએશનનું કહેવું છે કે, એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા નથી કરાતી.
  • રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો પણ એસોસિએશનનો દાવો.

એસોસિએશનનો દાવો છે કે તેના સભ્યો છેલ્લા ચાર વર્ષથી તેમના વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્રો અને મંજૂરીઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે પણ RTO પાસે જ સ્ટાફ નથી તેથી કશું થતું નથી. શાળા પરિવહન વાહનો માટે સરકારની નવી માર્ગદર્શિકાથી પણ એસોસિએશન અને વાહન માલિકો અસંતુષ્ટ છે.એસોસિએશનનો દાવો છે કે તેમને સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. કેમ કે સરકાર સ્ટાફની વ્યવસ્થા નથી કરતી અને દોષારોપણ અમારા પર કરીને અમને ખરાબ ચિતરે છે. સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને ધીમી ગતિએ ચાલી રહેલી પાસિંગ પ્રક્રિયા સહિતની અન્ય કેટલીક સમસ્યાઓનો ઉકેલ ઝડપથી લાવવા માટે કહ્યું, જેના પછી RTO દ્વારા એવું કહેવાયું છે કે, રોજની 200 થી 250 ગાડીઓનું રજિસ્ટ્રેશન થશે. જોકે, એ શક્ય જ નથી. આ સંજોગોમાં કદાચ પરમિટ તો અપાઈ જશે પણ તેના માટે બેફામ ભ્રષ્ટાચાર કરાશે.

હવે શું કરવું ?

  • વાહનોમાં ફાયર સેફ્ટી સહિતનાં સાધનોની વ્યવસ્થા કરવાની હોય.
  • આટલી ચીજો જ ગુજરાતમાં મળી શકે એમ નથી.
  • 60 દિવસ પછી પણ આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવવાનો નથી.
  • સ્કૂલ વર્ધી કરતાં વાહનોના માલિકો પણ જવાબદાર.
  • વાહનોના માલિકોએ અત્યાર સુધી કમાણી કરવા પર જ ધ્યાન આપ્યું.
  • બાળકોની સુરક્ષાની ચિંતા જ કરી નથી.

રાજ્ય સરકારે સ્કૂલવર્ધી કરતા વાહનોમાં ફિટનેસ સર્ટિફિકેટ, લાઇસન્સ, પરમિટ, વીમો, ફાયરસેફ્ટી, બાળકોની સંખ્યા સહિતના મામલે નિયમોનો કડક અમલ કરાવવા માટે આદેશ આપ્યા એ નિયમો ખરેખર તો બહું જૂના છે. અત્યારે તો માત્ર એનો અમલ કરવા કહેવાયું છે. ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્ર પૂર્વે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કર્યા. જેમાં ક્ષમતા મર્યાદા, ફરજિયાત અગ્નિશામકો, ફાયર એલાર્મ સિસ્ટમ અને ગતિ મર્યાદાનો સમાવેશ થાય છે. સ્કૂલ વાન, બસ અને ઓટો-રિક્ષાને લાગુ પડતા આ નિયમોના અમલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓનું ઘરેથી શાળામાં અને શાળામાંથી ઘર સુધીનું સલામત પરિવહન સુનિશ્ચિત કરવાનો છે.

શું કહે છે નિયમ?

  • વાહનની બેઠક ક્ષમતા કરતા બમણી સંખ્યામાં બેસવાની મંજૂરી નથી.
  • 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે આ નિયમ લાગુ ના પડે.
  • સ્કૂલ બસો ફાયર એલાર્મ પ્રોટેક્શન સિસ્ટમથી સજ્જ હોવી આવશ્યક.
  • યોગ્ય CNG અથવા LPG કિટ ઇન્સ્ટોલેશન સુનિશ્ચિત કરવી.
  • જેના માટે વાહનોએ ફિટનેસ ચેક કરાવવું આવશ્યક.
  • શાળા સંચાલકોના માથે સ્કૂલ વાનનું વારંવાર ચેકિંગ કરવાની જવાબદારી પણ નંખાઈ.
  • નિયમો બનાવાનું કારણ રાજકોટ TRP મોલનો અગ્નિકાંડ.
  • રાજકોટની ઘટના બાદ ફાયર સેફ્ટી સહિતના મુદ્દે તપાસ શરૂ કરાઈ.

આ તપાસમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા પરમિટ ફાયર સેફટી બાળકોના ક્ષમતા સહિતના મુદ્દે ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ ચકાસણી શરૂ કરાઈ ત્યારે જ પરમિટ વગર વર્ધીનાં વાહનો ફરતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી રાજય સરકાર તરફથી આપવામાં આવી હતી. સ્કૂલ વર્ધી એસોસિએશને એ વખતે જ વાહનોને નિયમોનું પાલન કરવાનું કહી દેવાની જરૂર હતી પણ તેના બદલે તેમણે કશું ના કર્યું. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતાં સ્કૂલ વાહન એસોસિએશન હડતાળ પર ઉતરી ગયું હતું. એસોસિએશનનું આ વલણ શરમજનક કહેવાય. કેમ કે, એના કારણે વાલીઓની હાલત કફોડી થઈ ગઈ.

હંગામી રાહત

  • વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેએ હાલાકી વેઠવી પડી.
  • લોકોએ બાળકોને લેવા માટે શાળાએ દોડવું પડ્યું.
  • તાત્કાલિક કોઈ વ્યવસ્થા થઈ જ ના શકે.
  • સ્કૂલવાનના ચાલકો મનમાની કરતાં હોવાનો વાલીઓનો આક્ષેપ.
  • વાલીઓને અત્યાર પૂરતી રાહત થઈ.

RTO અને સ્કૂલવાન એસોસિએશનની લડાઇમાં અત્યારે યુદ્ધવિરામ થયો છે અને 60 દિવસ માટે બંનેએ હથિયારો હેઠાં મૂક્યાં છે. 60 દિવસ પછી પહેલાંની જેમ RTO વિભાગ ચકાસણી કરશે એટલે તેની કામગીરીનો વિરોધ શરૂ થશે જ. સ્કૂલવર્ધી કરતા વાહનોમાં ફિટનેસ, લાઇસન્સ, પરમિટ, વીમો, ફાયરસેફ્ટી, બાળકોની સંખ્યા સહિતના મામલે નિયમોની કડક અમલવારી કરાવવાની ઝુંબેશ ચાલશે એટલે જંગ થવાનો છે. આ પહેલાં રાજયભરમાં RTO અને પોલીસે 13 જૂનથી સ્કૂલવર્ધીનાં વાહનોને પકડી નિયમોના ભંગ બદલ દંડ ભરવાનું શરૂ કરતાં સ્કૂલવર્ધીના વાહનચાલકોએ સરકાર સામે લડી લેવાનો અભિગમ અપનાવ્યો હતો અને સ્કૂલવાન અને રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. વાહનચાલકોનો આક્ષેપ છે કે, RTO દ્વારા 20થી 25 હજાર રૂપિયા દંડ કરવામાં આવે છે. RTO અને ટ્રાફિક પોલીસ કંઈપણ દલીલ સાંભળતા નથી અને વાન ડિટેઈન કરી જાય છે.ભવિષ્યમાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે તેથી વાલીઓએ માનસિક તૈયારી રાખવી પડશે. રાજ્યમાં જ્યાં સુધી તમામ વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી RTO અને વાહનમાલિકો વચ્ચે સંઘર્ષ થવાનો જ છે. તંત્રની કામગીરીથી થઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ફરી હડતાળનો નિર્ણય લેવાય એ પૂરી શક્યતા છે તેથી વાલીઓએ તૈયારી રાખવી જ પડશે.