November 24, 2024

કાને ધરવા જેવી વાત..

Prime 9 With Jigar: હિન્દી ફિલ્મોના જાણીતાં પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકને એક વિચિત્ર બીમારી થઈ ગઈ છે. એક-એકથી ચડિયાતાં ગીતો ગાનારાં સિંગર અલકા યાજ્ઞિકનાં ગાયેલાં ગીતો સાંભળીને આપણે સૌ ડોલી ઉઠીએ છીએ ત્યારે અલકા યાજ્ઞિક પોતે જ પોતાનાં ગીતો સાંભળી શકતાં નથી. કેમ કે તેમની શ્રવણશક્તિ ઓછી થઈ ગઈ છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર , વાઇરલ અટેકને કારણે તેમને દુર્લભ સેન્સરી હિયરિંગ લોસ થયો છે. તેમને સાંભળવાનું ઓછું થઈ ગયું છે. અલકા યાજ્ઞિક દેશનાં સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંથી એક છે.

શાનદાર કરિઅર

  • 25થી વધુ ભાષાઓમાં 21 હજારથી વધુ ગીતો ગાયાં.
  • અલકા યાજ્ઞિક બે વખત નેશનલ એવોર્ડ પણ જીત્યાં.
  • 2022માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન.
  • વિશ્વભરમાં સૌથી વધુ સ્ટ્રીમ થયેલા કલાકાર તરીકે સન્માન.

આવી જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતાં ગાયિકા હવે પોતાનાં જ ગીતો ના સાંભળી શકે તેનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે ? અલકા યાજ્ઞિકે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. અલકા યાજ્ઞિકે થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર ફેન્સને જાણકારી આપતાં શું લખ્યું એ અમે તમને જણાવીશું.

મારા તમામ ચાહકો, મિત્રો અને શુભેચ્છકોને જણાવવા ઇચ્છું છું કે, થોડાં અઠવાડિયાં પહેલા ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ મને અચાનક લાગ્યું કે હું કંઈ પણ સાંભળી શકતી નથી છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિંમત એકઠી કર્યા પછી હું મારા મિત્રોની સામે મૌન તોડવા માંગુ છું કે, જેઓ વારંવાર પૂછે છે કે હું ક્યાં ગાયબ થઈ ગઈ છું આ અચાનક, મોટા આઘાતે મને સંપૂર્ણપણે અવાક કરી દીધી છે. હું આ સ્થિતિ સાથે અનુકૂલન કરવાનો પ્રયત્ન કરી રહી છું અને કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો. હું મારા ચાહકો અને યુવા સાથીઓને હેડફોન અને લાઉડ મ્યુઝિક અંગે ચેતવણી આપવા માંગુ છું. કોઈ દિવસ હું મારા પ્રોફેશનલ જીવનના કારણે સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે ચોક્કસપણે વાત કરીશ. તમારા બધાના પ્રેમ અને સમર્થન સાથે, હું મારા જીવનને ફરી પાટે લાવવાની આશા રાખું છું અને ટૂંક સમયમાં તમને ફરીથી મળીશ. આ નિર્ણાયક સમયમાં તમારો સાથ અને સમજણ મારા માટે ઘણા મહત્વનાં છે.

આ સમાચાર જાણી અલકા યાજ્ઞિકના ચાહકો અને પ્રિયજનોને ભારે આઘાત લાગ્યો છે. અલકા યાજ્ઞિક સાથે ગાઈ ચૂકેલાં ઇલા અરૂણથી લઈને સોનુ નિગમ સુધીનીં ઘણી બોલીવુડ સેલિબ્રિટીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઈલા અરુણે કહ્યું કે, આ સમાચાર ખૂબ જ દુ:ખદ છે અને તમારે જલદી સારા ડૉક્ટરો પાસેથી સારવાર લેવી જોઈએ અને સ્વસ્થ થઈને પાછા ફરવું જોઈએ. સોનુ નિગમે પણ કહ્યું છે કે, તેમને લાગ્યું કે કંઈક બરાબર નથી.

સોનુ નિગમે પણ અલકા યાજ્ઞિક ઝડપથી સ્વસ્થ થાય એવી કામના પણ કરી છે. અલકા યાજ્ઞિકની આ સ્થિતિ થવાનું કારણ હિયરિંગ લોસ ડિસઓર્ડર છે. અલકા યાજ્ઞિક હિયરિંગ ડિસઓર્ડરનો શિકાર બનતાં તેમની શ્રવણશક્તિ ઓછી થઈ ગઈ છે. અલકા યાજ્ઞિકને જે દુર્લભ હિયરિંગ લોસ ડિસઓર્ડર થયો છે તેને સેન્સોરિનરલ હિયરિંગ લોસ કહેવાય છે. ઘણી વાર એનો ઉલ્લેખ ‘રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસ’ તરીકે પણ થાય છે.

આ બીમારીથી ચેતજો

  • સેન્સોરિનરલ હિયરિંગ લોસ શ્રવણશક્તિ સંબંધિત બીમારી.
  • કાનના આંતરિક અંગો કે લોકોની શ્રાવ્ય ચેતાના માળખાને નુકસાન થવાથી બીમારી.
  • બીમારીના કારણે પુખ્ત વયના લોકો 90 ટકાથી વધુ સાંભળવાની ક્ષમતા ગુમાવી શકે.
  • સમસ્યા વધારે અવાજ, આનુવંશિક પરિબળો અથવા વૃદ્ધત્વને કારણે થઈ શકે.
  • અલકા યાજ્ઞિકને આ બીમારી થઈ એના કારણે લોકોનું એના તરફ ધ્યાન દોરાયું.

સાઉન્ડટ્રેક નામની ફિલ્મની કહાની

  • દોઢ દાયકા પહેલાં આ વિષય પર ફિલ્મ આવી.
  • રાજીવ ખંડેલવાલને મુખ્ય રોલમાં હતો.
  • ફિલ્મમાં આ જ બીમારીનો હતો વિષય.
  • ભારતીય સંગીતકારના જીવન પર આધારિત મોક્યુમેન્ટરી ફિલ્મ.
  • મોક્યુમેન્ટરી એટલે એવી ફિલ્મ કે જેની સ્ટોરી કાલ્પનિક હોય.
  • રજૂઆત ડોક્યુમેન્ટરી ફિલ્મની જેમ કરાઈ હોય.
  • ફિલ્મનો હીરો રોનક કૌલ એટલે કે રાજીવ ખંડેલવાલ DJ તરીકે કરે છે કામ.
  • રોનકને ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મમાં કામ કરવાની તક મળી.
  • અચાનક જ રોનકને સંભળાવાનું ઓછું થવા લાગ્યું.
  • ડૉક્ટરે કહ્યું કે, શરાબ અને ડ્રગ્સના વધુ સેવન જવાબદાર.
  • ઘોંઘાટિયુ સંગીત સાંભળવાને કારણે આ સ્થિતિ.
  • ધીરે-ધીરે રોનક સંપૂર્ણ બહેરો થઈ ગયો.
  • સાઉન્ડટ્રેક ફિલ્મના રોનક કૌલને થયેલી જ બીમારી અલકા યાજ્ઞિકને થઈ.
  • રેર ‘સેન્સરી નર્વ હિયરિંગ લોસ’ નામની બીમારી.
  • ‘અચાનક આવી જતી બહેરાશ’ કહી શકાય.
  • 10 પૈકી 9 લોકોને માત્ર એક કાનમાં સંભળાતું ઓછું થાય.
  • સવારે ઊઠ્યા પછી તરત જ એવું લાગે છે કે, ઓછું સંભળાઈ રહ્યું છે.
  • રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસ થવાનું મુખ્ય કારણ નર્વ પાથ વેમાં આવતો અવરોધ.
  • આપણા કાન અને મગજની આંતરિક રચના વચ્ચે નર્વ પાથ-વે.
  • આ નર્વ પાથ વેમાં ખલેલ પહોંચે કે અવરોધ પેદા થાય ત્યારે સાંભળવાનું બંધ થઈ જાય.

રેર એટલે કે ભાગ્યે જ થતા આ રોગ ‘રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસ’માં એક અથવા બંને કાનમાં સાંભળી ન શકાય. આ બીમારી અચાનક થઈ શકે છે અથવા આપણી સાંભળવાની ક્ષમતા ધીમે-ધીમે ઘટી શકે છે. આ ક્ષમતા કેમ ઘટે છે એ સમજવા સાઉન્ડ એટલે કે ધ્વનિનું સાયન્સ સમજવું પડે.

સાઉન્ડનું સાયન્સ

  • સાઉન્ડ વેવ્સ એટલે કે ધ્વનિનાં તરંગોને ફ્રિક્વન્સીમાં માપવામાં આવે.
  • અવાજ તીણો હોય તો એની ફ્રીક્વન્સી વધારે હોય.
  • અવાજ જાડો હોય તો ફ્રીક્વન્સી ઓછી હોય.
  • અવાજ કે ધ્વનિને ડેસિબલમાં માપવામાં આવે.
  • કોઈ જ અવાજ ના હોય કે નીરવ શાંતિ હોય ત્યારે 0 ડેસિબલ હોય.
  • આપણે ઘૂસપૂસ કરીએ ત્યારે અવાજ 30 ડેસિબલ્સની આસપાસ હોય.
  • સામાન્ય વાતચીતની તીવ્રતા 60 ડેસિબલ હોય.
  • અવાજ વાસ્તવિક રીતે હોય એના કરતાં 30 ડેસિબલ ઓછો સંભળાય.
  • સામાન્ય વાતચીત આપણને ઘૂસપૂસ લાગે અને ઘૂસપૂસ સાવ સંભળાય જ નહીં.
  • 60 ડેસિબલનો અવાજ 30 ડેસિબલ્સ જેટલો સંભળાય.
  • 30 ડેસિબલનો અવાજ સંભળાતો જ નથી.
  • કોઈ હળવેથી બોલે તો આપણને સંભળાતું નથી.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એજિંગના કહેવા પ્રમાણે મોટા ભાગે વૃદ્ધ અથવા મોટી ઉંમરના લોકોમાં આ પ્રકારની બહેરાશ જોવા મળે છે. એક કાનમાં ઓછું અને બીજામાં એનાથી પણ ઓછું સંભળાય એ પણ હીયરિંગ લોસ છે. આ સ્થિતિમાં એક જ અવાજ બંને કાનમાં અલગ-અલગ રીતે સંભળાઈ શકે છે. બિલકુલ સંભળાતું બંધ થઈ જાય એના માટે સંપૂર્ણ બહેરાશ શબ્દ વપરાય છે. મેડિકલ ટર્મમાં સેન્સોરિન્યુરલ હીયરિંગ લોસ, કન્ટક્ટિવ હીયરિંગ લોસ અને મિક્સ્ડ હીયરિંગ લોસ એમ ત્રણ પ્રકાર છે.

કાનની વાત

  • કાનના પડદાને નુકસાન થાય.
  • સેન્સોરિન્યુરલ હીયરિંગ લોસ થાય.
  • જેનો ઇલાજ શક્ય નથી.
  • કાનના વચ્ચેના ભાગમાં અવાજ અવરોધાય.
  • કન્ડક્ટિવ હીયરિંગ લોસ કહેવાય.
  • જેનો ઇલાજ શક્ય.
  • મિક્સ હીયરિંગ લોસ કહેવાય.
  • સેન્સરી નર્વ હિયરિંગ લોસ માટે ઘણાં કારણો જવાબદાર.
  • અલગ-અલગ મેડિકલ શબ્દો.
  • વધારે ઉંમરને કારણે સાંભળવાનું ઓછું થવું.
  • સમસ્યાને પ્રેસ્બીક્યુસિસ કહેવામાં આવે છે.
  • બહું નુકસાન ના થાય ત્યાં સુધી લોકો એના પર ધ્યાન આપતા નથી.
  • માથામાં ઈજા થવાથી કાનને પણ નુકસાન થઈ શકે.
  • ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશરને કારણે પણ હિયરિંગ લોસ પણ થઈ શકે.
  • મેનિયર ડિસીઝના કારણે હિયરિંગ લોસ થઈ શકે.
  • વ્યક્તિને ચક્કર આવવા લાગે કે કાનમાં અવાજ આવે.

આ સિવાય વધારે પડતી એન્ટિબાયોટિક્સ, કેન્સરની સારવાર માટે વપરાતી કીમોથેરાપી અને લૂપ ડાયયુરિક દવાઓના કારણે પણ હીયરિંગ લોસ આવી શકે છે. જોકે, સતત મોટા અવાજના સંપર્કમાં આવવાથી કામચલાઉ હીયરિંગ લોસ થઈ શકે છે. જે લોકો વધારે પડતા મોટા અવાજના કાયમી સંપર્કમાં હોય તેમને પણ હીયરિંગ લોસ થઈ શકે છે. આપણે ત્યાં ‘રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસ’ને ગંભીરતાથી નથી લેવાતું. લોકો ઓછું સંભળાય એ ચલાવી લે છે. જેના કારણે દુનિયામાં આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા અનુસાર, વિશ્વના લગભગ 20% લોકો રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસનો ભોગ બન્યા છે. આ લિસ્ટમાં નામ ના આવે એના માટે કેટલીક કાળજી લેવી જરૂરી છે. જે લોકોને વૃદ્ધાવસ્થાને કારણે હીયરિંગ લોસ થાય કે આકસ્મિક હીયરિંગ લોસ થાય એ લોકો તેને રોકી ના શકે પણ યંગસ્ટર્સ તો અત્યારથી જાગી જાય અને સતર્ક રહે તો ચોક્કસ બચી શકે. અલકા યાજ્ઞિકે લોકોને લાઉડ મ્યુઝિક અને હેડફોનથી દૂર રહેવાની સલાહ આપી છે તેને યંગસ્ટર્સે ચૂસ્તપણે અનુસરવાની જરૂર છે.

ઘોંઘાટથી રહો દૂર

  • ઇયરફોન અને હેડફોન્સ અત્યારે આપણા જીવનનો એક ભાગ.
  • યંગસ્ટર્સને તો ઇયરફોન અને હેડફોન્સ વિના ચાલતું જ નથી.
  • યંગસ્ટર્સ ઘરમાં પણ મોટા ભાગે ઇયરફોન કે હેડફોન્સ પહેરે છે.
  • ઇયરફોન અને હેડફોન્સથી બહું સવલત રહે છે.
  • લાંબા સમય સુધી ઇયરફોન અને હેડફોન્સનો ઉપયોગ ઘાતકી.
  • અવાજ કાનના પડદાને એકદમ નજીકથી અથડાય.
  • કોઈ પણ વસ્તુ નજીકથી અથડાય ત્યારે વધારે ઘાતક.
  • કાનના પડદાને કાયમી નુકસાન કરે.
  • ઇયરફોન અને હેડફોન્સનો સતત ઉપયોગ ઘણા રોગોને આમંત્રણ આપે.
  • વધારે પડતા હેડફોનનો ઉપયોગ કરવાથી શ્રવણશક્તિ ઘટવા લાગે.
  • ઓછું સાંભળવું, બહેરાશ, અનિંદ્રા, માથાનો દુ:ખાવો વગેરે સમસ્યા થાય.
  • ઘણી વખત જીવલેણ અકસ્માતોનું કારણ પણ બને.
  • ઇયરફોન અને હેડફોન્સના કારણે બીજાં વાહનોનો અવાજ સંભળાતો નથી.
  • આ ઉપરાંત સાંભળવાની શક્તિ ઘટી ગઈ હોવાથી પણ ખરાબ અસર થાય.
  • ભારતમાં તો આ પ્રકારના અભ્યાસ થતા નથી.

ફ્રાન્સમાં ઇયરફોન અને હેડફોન્સના ઉપયોગ અંગે થયેલા અભ્યાસમાં આંચકાજનક પરિણામો જાણવા મળ્યાં છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યુટના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ફ્રાન્સમાં દર ચારમાંથી એક વ્યક્તિને સાંભળવાની સમસ્યા થઇ રહી છે. મતલબ કે ફ્રાન્સની 25 ટકા વસ્તીને શ્રવણશક્તિની સમસ્યાઓ છે અને આ લોકો ધીમે ધીમે બહેરા થઈ રહ્યા છે. ફ્રાન્સની સ્ટાર્સબર્ગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હેડફોનના ઉપયોગ અંગે કરેલા રિસર્ચનાં તારણ પ્રમાણે, દરરોજ હેડફોન લગાવ્યા પછી હાઈ વોલ્યુમ રાખીને સતત બે કલાક સોંગ સાંભળવાથી 10 જ વર્ષમાં બહેરાશ આવી શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લાં પાંચ કે સાત વર્ષથી હેડફોનનો ઉપયોગ કરતા લોકોને પસંદ કરીને આ અભ્યાસ થયો હતો. સર્વેમાં ભાગ લેનારા લોકો સતત હેડફોનનો ઉપયોગ કરતા હતા અને દરરોજ સરેરાશ બે-ત્રણ કલાક કાનમાં હેડફોનનો ઉપયોગ કરતા હતા. આ લોકોના મેડિકલ ચેક-અપ પછી સંશોધકોએ તારવ્યું હતું કે, સામાન્ય લોકોની સરખામણીમાં તેમને સાંભળવામાં તકલીફ પડે છે.આ સિવાય બીજી પણ ઘણી ગંભીર બીમારીઓ તેમને થઈ છે. હેડફોનથી આખા કાન કવર થઈ જતા હોવાથી ઘણાંને કાનનો કાયમી દુ:ખાવો ઘર કરી ગયો હતો.

રિસર્ચમાં ચેતવણી અપાઈ હતી કે દરરોજ સાત કલાકથી વધુ સમય હેડફોન ભરાવીને ઊંચા વોલ્યુમથી મ્યુઝિકનો આનંદ ઉઠાવતા લોકો માનસિક બીમારીનો શિકાર થઈ શકે છે. હેડફોન ભરાવ્યા વિના રહેવાથી તેમને બેચેની થવા લાગે છે અને તેની ગંભીર માનસિક અસરો થઈ શકે છે. આ સિવાય આ લોકોમાંથી મોટા ભાગનાંને માથાનો દુ:ખાવો પણ સતત થતો હતો. સંશોધકોએ હેડફોન વાપરનારાંને સલાહ આપી છે કે, હેડફોનનો સતત ઉપયોગ કરવો હિતાવહ નથી. મોબાઇલ ફોન પર વાત કરતા હો ત્યારે પણ સતત હેડફોન લગાવી રાખવાના બદલે થોડોક બ્રેક લેતા રહેવું જોઈએ. આ સિવાય વજનમાં હળવા હેડફોન પસંદ કરીને વાપરવા જોઈએ. વૉલ્યુમ શક્ય એટલું ઓછું રાખવાથી કાનને લગતી બીમારીઓ ટાળી શકાશે. આ સલાહનું આપણા યંગસ્ટર્સે પાલન કરવું જોઈએ.