December 16, 2024

શાકભાજીમાં તોતિંગ ભાવ વધારો બગાડશે ગૃહિણીઓનું બજેટ, ખીચા ખાલી કરાવતા બટાકા, ડુંગળી અને લસણના ભાવ

Vegetables Price Hike: શાકભાજીના વધી રહેલા ભાવે ગૃહિણીઓના બજેટની સાથે રસોઈનો સ્વાદ પણ બગાડી દીધો છે. બટાકા, ટામેટાં, લીલા શાકભાજીના ભાવ બદલાતી ઋતુની સાથે આકાશને આંબી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં શાકભાજીના વધતાં ભાવ સામાન્ય માણસનું તેલ કાઢી રહ્યા છે. છૂટક બજાર જ નહિ હોલસેલ બજારમાં પણ ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા 40થી 50 રૂપિયે કિલો વેચાઈ રહેલા ટામેટાંના ભાવ વધીને 100 રૂપિયાને પાર થઈ ગયા છે. આમ જોઈએ તો એક ટામેટું 10 રૂપિયે મળી રહ્યું છે. ટામેટાંના વધતાં ભાવની સાથે ટામેટાંના જોડીદાર બટાકાના ભાવ પણ વધી રહ્યા છે. હાલ છૂટક બજારમાં 40 થી 50 રૂપિયે કિલોના ભાવે બટાકા વેચાઈ રહ્યા છી. વરસાદને કારણે આવક ઘટતા હાલ તો ભાવમાં કોઈ ઘટાડો થવાના સંકેત નથી મળી રહ્યા.

ભીંડા 100થી 120 રૂપિયે કિલો, કેપ્સિકમ 100 રૂપિયે કિલો
માત્ર બટાટા, ડુંગળી, ટામેટાં જ નહીં અન્ય શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ડુંગળી અને ટામેટા વગર રસોઈમાં સ્વાદ નથી આવતો. એટલે જ મોંઘવારીએ તમામ શાકભાજીનો સ્વાદ બગડી દીધો છે. 30-40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ભીંડા 100-120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. લોકલ શાકમાર્કેટમાં વેચતા તમામ શાકભાજીના ભાવ છેલ્લા 10 દિવસની સરખામણીમાં ત્રણ ગણા વધી ગયા છે. જોકે, હોલસેલ બજારમાં ભાવમાં એટલો વધારો નથી થયો જેટલો ભાવ વધારો રિટેલ બજારની દુકાનોમાં થયો છે. બીસ અને કેપ્સીકમના ભાવમાં પણ તીખારો આવ્યો છે. તેના ભાવ પણ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે.

120 થી 150 રૂપિયે વેચાઈ રહ્યું છે લસણ
શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે પહાડી વિસ્તારો માંથી શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. વરસાદને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ જતો હોય છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પણ શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય છે. જેને કારણે પાકને પણ નુકસાન થતું હોય છે. કેટલાંક રાજ્યોના કોલ્ડ સ્ટોરેજમાં આ વખતે બટાકાનો સ્ટોક ઓછો કરવામાં આવ્યો છે. વરસાદને કારણે લીલા શાકભાજીના ખરાબ થવાના કારણે મોંઘવારી પર પણ અસર થાય છે. જોકે વેપારીએ જણાવ્યું છે કે છૂટક બજારમાં ભાવ વધારે છે. હોલસેલ બજારમાં બટાકા 22થી 23 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. એ જ રીતે, ડુંગળીના ભાવ પણ 27થી 35 રૂપિયા અને લસણ 120 થી 150 રૂપિયે વેચાઈ રહ્યું છે.