PoKને લઈ શિવશેનાના નેતાનો દાવો – જો NDAને 400 બેઠક મળી હોત તો…
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ પ્રતાપરાવ જાધવે દાવો કર્યો હતો કે જો લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 400થી વધુ બેઠકો જીતી શક્યું હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતમાં સામેલ થઈ ગયું હોત વર્ષ 1962માં ચીન દ્વારા કબજે કરેલી જમીન પાછી લેવી શક્ય બની હોત.
અકોલામાં મહાયુતિ ગઠબંધન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં આયુષ અને જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી જાધવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી ભારતના નકશા પર PoKનો સમાવેશ કરવાનું સપનું જોઈ રહ્યા છે.
‘જો 400ને પાર કરી ગયા હોત તો બંને લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યા હોત’
તેમણે વધુમાં કહ્યું કે, “PoK, ભારતનો અભિન્ન ભાગ હોવા છતાં લાંબા સમયથી પાકિસ્તાનના નિયંત્રણમાં છે. ભારતે 1962ના યુદ્ધ દરમિયાન ચીન દ્વારા કબજે કરેલી જમીન પાછી મેળવવાનું પણ લક્ષ્ય છે. જો તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં એનડીએને 400થી વધુ બેઠકો (લોકસભા ચૂંટણી) મળી હોત, તો અમને બે તૃતીયાંશ બહુમતી મળી હોત, જેના કારણે આ બંને લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું શક્ય બન્યું હોત.
આ પણ વાંચો: મુંબઈ બન્યું ‘મહાસાગર’, પૂર જેવી સ્થિતિ… ટ્રેનોના રૂટ ડાયવર્ટ, IMDનું એલર્ટ
બુલઢાણાના લોકસભા સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષ દ્વારા એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો કે જો મોદી સત્તામાં પાછા ફરશે તો બંધારણ બદલાશે. તેમણે કહ્યું કે બંધારણને બદલી શકાય નહીં કારણ કે તે શક્ય નથી. ઉપરાંત, 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીને બંધારણને ઉથલાવી દેવાના વાસ્તવિક ઉદાહરણ તરીકે વર્ણવવામાં આવી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન પીઓકેનો ઉલ્લેખ
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીઓકેનો સતત ઉલ્લેખ થતો હતો. ભારતીય જનતા પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પીઓકેને ભારતનો ભાગ ગણાવતા રહ્યા અને ભારતમાં તેના સમાવેશની વાત કરતા રહ્યા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જેવા ટોચના નેતાઓ આનો ઉલ્લેખ કરતા રહ્યા. ઘણી ચૂંટણી રેલીઓમાં અમિત શાહે પીઓકેને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે અમે તેને જાળવીશું.
મહારાષ્ટ્રના પાલઘરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવો જ મોટો દાવો કર્યો હતો. ત્યારે સીએમ યોગીએ કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને છે તો 6 મહિનામાં PoK ભારતનો ભાગ બની જશે.